
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
અસરકારક સેવાઓની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં ‘સુશાસન દિવસ’ ની ઉજવણી, દેશ સમસ્તમાં થઈ રહી છે. ત્યારે, ડાંગ પોલિસના સમાજોપયોગી પ્રોજેકટ ઉપર એક નજર કરીએ, એ પ્રાસંગિક લેખાશે.
*પ્રોજેકટ સંવેદના*
પોલીસ દફતરે ઘણા અપમૃત્યુના કેસો નોંધાતા હોય છે. જેમાં ખૂન, આત્મહત્યા, કુદરતી આફત કે રોડ અકસ્માતથી મૃત્યુ થવાની ઘટનાઓ હોય છે. તેમજ રેપ/લૂંટ/ગંભીર ઈજાના ગુનાઓ પણ નોંધાતા હોય છે. આવા કિસ્સામાં મૃત્યુ પામનાર/ઇજા પામનાર વ્યક્તિના પરિવારજનોએ ખૂબ સહન કરવું પડતું હોય છે. કોઈ વ્યક્તિનું અચાનક મૃત્યુ થવાથી, તેમના કુટુંબીજનોએ પણ અસહ્ય પીડા ભોગવવી પડતી હોય છે. મૃત્યુ પામનાર વ્યક્તિ જો, ઘરની આર્થિક જવાબદારી નિભાવતો હોય, તો એ પરિવાર ઉપર જાણે કે મુસીબતોનો પહાડ તૂટી પડતો હોય છે. તેમનું જીવન ખૂબ જ દુષ્કર થઈ પડે છે. ગુનાહિત કૃત્યોમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને “વિક્ટીમ કોમ્પેનશેસન સ્કીમ” હેઠળ કાયદાકીય રીતે આર્થિક વળતર મળે છે. તે જ રીતે પૂર કે અન્ય કુદરતી આફતોમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને પણ, આર્થિક સહાય મળે છે. રોડ અકસ્માતોની ઘટનાઓમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને પણ વીમા પોલિસી હોય તો, વળતર મળી રહે છે. પરંતુ આ તમામ આર્થિક મદદ મેળવવા માટે પ્રક્રિયાત્મક સમય જતો હોય છે. જો આવા પીડિત પરિવારના સભ્યોને, પોલીસ સંવેદનશીલ બની સહાનુભૂતિ દર્શાવી મદદ કરવાનો પ્રયત્ન કરે, તો તેની સકારાત્મક અસર સમાજ અનુભવી શકે.
આવા જ એક ઉમદા ઉદ્દેશ્યને સાકાર કરવા માટે ડાંગ પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાની પરિકલ્પના મુજબ “પ્રોજેક્ટ સંવેદના” આકાર પામ્યો છે.
ડાંગ જિલ્લો આર્થિક રીતે પછાત છે. આવકના સ્ત્રોત પણ ખૂબ સીમિત છે. કુટુંબનો કોઈ મોભી (કમાનાર વ્યક્તિ) જો અપમૃત્યુનો ભોગ બને તો તેના કુટુંબના સભ્યોનું જીવન દુષ્કર થતું અટકાવવું, એ તમામ સભ્ય સમાજના લોકોનું ઉત્તર દાયિત્વ બને છે. આવુ જ ઉત્તર દાયિત્વ નિભાવવાનો પોલીસનો ઉમદા પ્રયત્ન એટલે “પ્રોજેક્ટ સંવેદના”
સિક્કાની બીજી બાજુ પણ એટલી જ સંવેદનશીલ છે. કોઈ ગુનેગાર જેલમાં લાંબી સજા ભોગવતો હોય, તો તેનો પરિવાર કોઈ પણ રીતે દોષિત ન હોવા છતાં, આવા પરિવારના સભ્યો પરોક્ષ રીતે સજા ભોગવતાં હોય છે. ઉપરાંત, સામાજિક તિરસ્કારનો પણ ભોગ બનતા હોય છે. જેની તેમના માનસ પર નકારાત્મક અસર થાય છે. તેઓના મનમાં ન્યાયિક સંસ્થાઓ પ્રત્યે રોષની ભાવના ઉદ્ભવતી હોય છે. આવા સજા ભોગવતા ગુનેગારોના નિર્દોષ પરિવારજનો પરત્વે સહાનુભૂતિ દાખવવી, એ પણ તંદુરસ્ત સમાજની જવાબદારી બને છે. જો પરિવારમાં બાળકો હોય, તો તેઓને વિશેષ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા બાળકો શિક્ષણ, સ્વાસ્થ્ય, અને પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત રહી જતા હોય છે. તેમજ સમાજથી બહિષ્કૃત થઇ વિખૂટા પડી શકે છે. આવા બાળકો ગુનાહીત પ્રવૃત્તિ તરફ વળી જાય તેવો પણ ભય સ્વભાવિકપણે રહે છે.
ડાંગ જિલ્લા પોલીસ હવે આવા કઠિન સંજોગોને લીધે નિરાધાર થયેલા બાળકોની પડખે રહી, તેમનો આધાર બની એક ઉમદા કર્તવ્ય નિભાવવાનો પ્રયાસ “પ્રોજેક્ટ સંવેદના “અંતર્ગત કરી રહી છે. પોલીસના આ પ્રયત્ન થકી એક સ્વસ્થ અને ન્યાયપૂર્ણ સમાજનું નિર્માણ થાય, એવી અભિલાષા સુરત રેન્જના IGP શ્રી વી. ચંદ્રશેખરે પણ વ્યક્ત કરી છે.
આ પ્રકલ્પ અંતર્ગત જિલ્લામાં છેલ્લા દસ વર્ષમાં લગભગ ત્રણસો જેટલા ભોગ બનનાર વ્યક્તિઓને, આઈડેન્ટીફાય કરવામાં આવ્યા છે. આ તમામ Victims ની એક યાદી તૈયાર કરી “SHE Team”ના સભ્યોને સોંપી દેવામાં આવી છે. “SHE Team”ના સભ્યો નિયમિતપણે તેમની મુલાકાત લઇ રહ્યા છે. તેમની સાથે સહાનુભૂતિપૂર્વક વર્તી, સરકારી યોજનાઓનો લાભ આપવાનો પ્રયત્ન કરી રહી છે. પોલીસની આ કાર્યવાહીથી લોકોમાં પોલીસની છબી ગરિમાપૂર્ણ બની છે. જિલ્લાના પ્રબુધ્ધ નાગરિકો પોલીસના કર્તવ્યની સરાહના કરી રહ્યા છે.
*પ્રોજેકટ દેવી*
ડાંગ જિલ્લા પોલીસ દ્વારા, સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ડાંગ જિલ્લામાં ચાલતા કુરિવાજો પૈકી “ડાકણ પ્રથા’ના ક્રુર કુરિવાજને નાબૂદ કરવા અંગેના જાગૃતિ કાર્યક્રમ સાથે અભિયાન છેડવામાં આવ્યું છે.
આઝાદીના ૭૫ વર્ષ બાદ પણ ડાંગ જિલ્લામાં આર્થિક, સામાજિક કે આરોગ્યના કારણસર કોઈ સમસ્યા ઉદભવી હોય, તો પ્રવર્તતી અંધશ્રધ્ધાને કારણે ઘરની જ કોઈ મહિલાને જવાબદાર ઠરાવી “ડાકણ” તરીકે જાહેર કરી, સમસ્યાના નિવારણ માટે તેણી ઉપર માનસિક-શારીરિક ત્રાસ ગુજારવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં એવી મહિલાઓનું મૃત્યુ પણ નીપજાવવામાં આવ્યું છે. અમુક કિસ્સામાં આવી મહિલાઓએ પોતાના પર થતા માનસિક અને શારીરિક અત્યાચારોને કારણે આત્મહત્યા પણ કરી છે. કમનસીબે આવો ક્રૂર રિવાજ ડાંગ જિલ્લામાં હજુ પણ અસ્તિત્વ ધરાવે છે. ઘણી વખત પોલીસ દફ્તરે અરજી/કરિયાદો થતી હોય છે. પરંતુ સમાજના જ કેટલાક આગેવાનો દ્વારા ચેનકેન પ્રકારે સમાધાન કરી, પતાવટ કરવામાં આવે છે. જેથી આવા કુરિવાજોને વધુ ઉત્તેજન મળે છે. તેથી આવા કુરિવાજોને અંકુશમાં લેવા સમાજના તમામ વર્ગોના અગ્રણીઓનો સહિયારો પ્રયાસ અનિવાર્ય બને છે.
છેલ્લા ૧૦ વર્ષોમાં ડાંગ જિલ્લામાં કુલ ૧૪૫ જેટલી અરજીઓ કે ફરિયાદો નોંધાઈ છે. આ સંખ્યા ચોક્કસપણે સુશિક્ષિત સમાજ માટે શરમજનક છે. દેશની પ્રગતિમા પણ અવરોધ ઊભો કરે છે. આ કાર્યક્રમમાં આવી પીડિત મહિલાઓને ગામડે ગામડેથી આહવા ખાતે આમંત્રિત કરી “પ્રોજેક્ટ દેવી” અંતર્ગત મહિલાઓનું શાલ ઓઢાડીને સન્માન કરી, પીડિત મહિલાઓ સમાજના મુખ્ય પ્રવાહમાં ફરીથી ભળી શકે તેવા પ્રયાસો હાથ ધરાયા છે.
આ ઉપરાંત આવી મહિલાઓને પ્રતાડિત કરનારા, તેમના સગા સંબંધીઓ તેમજ ગામના લોકોને પણ બોલાવી, તેમને પણ એવો સ્પષ્ટ સંદેશો આપવામાં આવે છે કે, હવે પછી કોઈ પણ વ્યક્તિ મહિલાને ડાકણ જાહેર કરી, તેમના ઉપર ત્રાસ ગુજારશે તો કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.
આ કાર્યક્રમમાં કુલ ૬૪ જેટલી પીડિત મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારનું અનપેક્ષિત સન્માન મળતા, સમાજની આવી ઉપેક્ષિત મહિલાઓએ આંખોમાં અશ્રુ સાથે, પોતાની વ્યથા વ્યક્ત કરતા પોલીસની કામગીરીને બિરદાવી હતી.
“પ્રોજેક્ટ દેવી” અંતર્ગત પોલીસની ‘સી ટીમ’ના સભ્યો હવે સતત આ કુરિવાજનો ભોગ બનેલ મહિલાઓની સમયાંતરે મુલાકાત લઇ રહ્યા છે. સરકારશ્રીની તમામ સહાયક યોજનાઓનો લાભ આપવાનો પ્રયત્ન કરે છે. ડાંગ જિલ્લા પોલીસના આ કર્તવ્યની લોકો દ્વારા ખૂબ પ્રશંસા થઈ રહી છે. રાજ્યની અનેક સમાચાર સંસ્થાઓ તેમજ રાષ્ટ્રીય સમાચાર પત્રોએ પણ પોલીસની આ કામગીરીની સકારાત્મક નોંધ લીધી છે.
*પ્રવાસી મિત્ર*
ડાંગ જિલ્લાનું મુખ્ય પ્રવાસન સ્થળ સાપુતારા છે. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં ગીરાધોધ, બોટાનીકલ ગાર્ડન, શબરીધામ, પંપા સરોવર, અંજનીકુંડ, માયાદેવી, બિલમાળ ધામ, મહાલ-કિલાદ અને દેવીનામાળ ફોરેસ્ટ કેમ્પ સાઇટ, તેમજ ડોન હિલ સ્ટેશન જેવા અનેક પ્રવાસના સ્થળો છે. અસંખ્ય પ્રવાસી ડાંગની મુલાકાત લેતા હોય છે. સરકારની પ્રવાસન નીતિને ઉત્તેજન આપતા અનેક પ્રકલ્પોને લીધે પ્રવાસીઓમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે.
ડાંગ જિલ્લો પહાડી વિસ્તાર હોવાના કારણે રસ્તાઓ ભયજનક છે. તેથી અકસ્માતોની સંભાવનાવાળા વિસ્તારોની માહિતી હોવી પણ જરૂરી છે. સામાન્ય રીતે બહારના જિલ્લાઓમાંથી કે રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ માટે, ડાંગ જિલ્લાના મોટે ભાગના પ્રવાસન સ્થળોની જાણકારી હોતી નથી. તેથી એવી જાણકારીના અભાવે તેઓ જિલ્લાની પ્રકૃતિ તેમજ સુંદરતાને માણી શકતાં નથી. જો પ્રવાસીઓને જિલ્લાના તમામ સ્થળોની માહિતી આપવામાં આવે, અને ડાંગની ભૌગોલિક સ્થિતિથી અવગત કરવામાં આવે તો, પ્રવાસીઓની સંખ્યામાં ચોક્કસ પણે વધારો થઈ શકે તેમ છે.
ડાંગ જિલ્લો પ્રાકૃતિક જિલ્લો હોવાને કારણે કોઈ ઔદ્યોગિક એકમ કે મોટા વેપાર ધંધા નથી. પ્રાકૃતિક ખેતીની આવક અને તદ્દન સુક્ષ્મ કક્ષાના ગૃહ ઉદ્યોગો પર લોકોનું આર્થિક જીવન નિર્ભર રહે છે. જો પ્રવાસીઓને ડાંગ જિલ્લાના તમામ સ્થળોની જાણકારી આપવામાં આવે, તેમજ તેમની સુરક્ષા અને સલામતી માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે, તો ડાંગની પ્રજાને પ્રવાસન થકી આર્થિક રીતે સધ્ધર બનાવી શકાય. તેમજ પ્રવાસનને લીધે રોજગારીના અન્ય વિકલ્પો પણ મળી રહે. જો પોલીસ વિભાગ તરફથી એવા કર્મચારીઓની ફોર્સ બનાવવામાં આવે કે જે પ્રવાસીઓને ડાંગના તમામ ફરવા લાયક સ્થળોની માહિતી આપે, તેમજ તેમની સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા પૂરી પાડે, તથા પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરી શકે, તો પ્રવાસન ઉદ્યોગ સારી રીતે ખીલી શકે.
આ હેતુને સિદ્ધ કરવા પોલીસ વિભાગના ગ્રામ રક્ષક દળના સભ્યોને વિશેષ તાલીમ આપી સક્ષમ બનાવવામાં આવે, તો આ ફોર્સ કાયદો અને વ્યવસ્થાની ફરજ ઉપરાંત, પ્રવાસીઓને માર્ગદર્શિત કરી, તેમની સુવિધાઓમા વધારો કરી શકે, તેવા હેતુથી તેમને “પ્રવાસી મિત્ર” તરીકે વિશેષ ઓળખ આપવાનો ખ્યાલ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાએ રજૂ કર્યો છે.
સામાન્ય રીતે પોલીસ વિભાગના કર્મચારીઓની ફરજ નિયમ કે કાયદાનું પાલન નહીં કરતા લોકો વિરુદ્ધ, કાયદાકીય કાર્યવાહી કરવાની હોય છે. તેથી સ્વાભાવિક રીતે જ લોકો પોલીસની કાર્યવાહીથી નારાજગી અનુભવતા હોય છે. ‘પ્રવાસી મિત્ર” તરીકેની ફરજમાં આવી કોઈ કાયદાના અમલીકરણની કાર્યવાહી કરવામાં નહીં આવે. પરંતુ પ્રવાસીઓને સંપૂર્ણ સહયોગ આપી, તેમને ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળોની માહિતી આપવામાં આવે છે. ઉપરાંત તેમને માર્ગદર્શિત પણ કરાઇ રહ્યા છે. જિલ્લાના રાત્રી રોકાણના સ્થળો હોટેલ-રેસ્ટોરન્ટ્સ ઉપરાંત, જિલ્લાની ભૌગોલિક માહિતીથી પણ અવગત કરવામાં આવે છે. પ્રવાસીઓ સાથે એક મિત્રતા ભર્યું વર્તન કરવામાં આવે છે. જેથી આ પ્રવાસી મિત્રોની ચાહના તેઓ મેળવી શક્યા છે.
જિલ્લામાં જ્યાં જ્યાં અકસ્માત સંભવિત વિસ્તારો હશે, તેની પણ માહિતી આપવામાં આવે છે. જેથી પ્રવાસીઓની સુરક્ષામાં વધારો થઈ શકે. દરેક પ્રવાસી મિત્રો પાસે યુનિફોર્મ, ID Card, તેમ જ એક QR Code પણ હશે. જે QR-Codeને સ્કેન કરીને કોઈ પણ પ્રવાસી જિલ્લાના તમામ પ્રવાસના સ્થળો વિશે માહિતી મેળવી શકે છે. તેમજ પ્રવાસન સ્થળ ઉપર રહેવા જમવાની વ્યવસ્થા વિશે જાણી શકે છે. ક્યાંય પણ અસલામતી જણાય, ત્યારે પોલીસ હેલ્પ લાઇનની માહિતી પણ મેળવી શકશે. કોઈ દુર્ઘટના બને ત્યારે દવાખાના, હોસ્પિટલની જાણકારી પણ મેળવી શકશે. પોલીસ મિત્ર દ્વારા પાડોશી મહારાષ્ટ્ર રાજ્યના પ્રવાસન સ્થળ વિશે પણ માહિતી આપવામાં આવે છે.
હજુ આ પ્રોજેક્ટ પ્રારંભિક તબક્કે હોવાથી દરેક જગ્યાએ પ્રવાસી મિત્રો ઉપલબ્ધ કરી શકાયા નથી. પરંતુ તમામ સ્થળે OR Code પ્રદર્શિત કરાયા છે. જેથી પ્રવાસીઓ તે સ્કેન કરીને પોલીસ વિભાગ તેમજ સરકારના અન્ય વિભાગોની માહિતી મેળવી શકે છે.
ડાંગ જિલ્લાની મુલાકાત લેતા પ્રવાસીઓને, આ પ્રવાસી મિત્રો સતત મદદરૂપ રહેશે, તેમને માર્ગદર્શિત કરશે. તેમજ તેમની સુરક્ષા અને સલામતીની કાળજી રાખશે. આ તમામ હેતુઓનો લાભ પ્રવાસીઓને મળશે, તેમાં કોઈ બેમત નથી.
“પ્રવાસી મિત્ર” મોટે ભાગે પ્રવાસીઓના લાભ માટે જ ફરજ બજાવશે. એવો નિર્ણય હાલ પૂરતો પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. તેથી પ્રવાસીઓને તેનો મહત્તમ ફાયદો થઈ શકે તેમ છે.
આમ, આજના “સુશાસન દિવસે” ડાંગ પોલીસના પ્રજાકલ્યાણના આ નવા પ્રોજેકટ ‘ગુડ ગવર્નન્સ’ની પરિકલ્પનાને સાચા અર્થમાં સાકાર કરી રહ્યા છે.