
દાયકાઓથી ભારત બચત કરનારાનો દેશ રહ્યો છે. આપણે બધા ભારતમાં રહેતા લોકો હાલની પોતાની જરૂરિયાતો પાછળ થતા ખર્ચમાં કરકસર કરીનેય પોતાની આવકના એક મોટા ભાગની બચત કરતા હોઈએ છીએ.
- સૌતિક બિસ્વાસ
- બીબીસી
જોકે, હાલમાં કંઈક બદલાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ હાલમાં આપેલો ડેટા ભારતીયોની શુદ્ધ ઘરેલુ બચત પાછલાં 47 વર્ષના તળિયે હોવાનું જણાવે છે. જે તે પરિવાર પાસે રહેલાં નાણાં અને ડિપૉઝિટ, સ્ટૉક અને બૉનસ જેવાં રોકાણોની કુલ રકમમાંથી પરિવારના માથે રહેલાં દેવાની રકમ બાદ કરતાં બાકી રહેતી રકમને શુદ્ધ ઘરેલુ બચત કહેવાય છે.
નાણાકીય વર્ષ 2023માં ભારતીય ઘરેલુ બચત ઘટીને કુલ ઘરેલુ ઉત્પાદનના (જીડીપી) 5.3 ટકા જેટલી થઈ ગઈ હતી. જે વર્ષ 2022માં 7.3 ટકા હતી. એક અર્થશાસ્ત્રીએ આ ઘટાડાને “નાટકીય” ગણાવ્યો હતો.
આ સિવાય ઉપરોક્ત સમયગાળા દરમિયાન જ ઘરેલુ દેવામાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. આ દરમિયાન વાર્ષિક દેવું જીડીપીના 5.8 ટકા જેટલું હતું, જે 1970ના દાયકાથી અત્યાર સુધી બીજો મોટો વધારો છે.
મોટા ભાગના પરિવારો પોતાની જરૂરિયાતો માટે દેવાનો આશરો લેતાં બચતમાં ભારે ઘટાડો નોંધાયો છે. આ સમગ્ર પ્રક્રિયામાં સામાન્ય ગણિત કામ કરે છે, જે તે પરિવાર જેટલું વધારે દેવું કરશે, તેની આવકનો એટલો જ મોટો ભાગ એ દેવાની ચુકવણીમાં જતો રહેશે, જે અંતે બચતના ઘટાડામાં પરિણમશે.
‘મોતિલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસિસ’માં અર્થશાસ્ત્રી નિખિલ ગુપ્તા કહે છે કે ભારતમાં વધતાં ઘરેલુ દેવાનો મોટો ભાગ નૉન મૉર્ગેજ લોન છે. એમાં અડધાથી વધારે દેવું કૃષિ અને વેપાર સાથે સંકળાયેલું છે.
રસપ્રદ વાત એ છે કે 2022માં ભારત નૉન મૉર્ગેજ લોનના મામલે ઑસ્ટ્રેલિયા અને જાપાનની બરોબર આવી ગયું અને એણે અમેરિકા અને ચીન સહિત કેટલાય પ્રમુખ દેશોને પાછળ રાખી દીધા.
ગુપ્તા જણાવે છે કે ક્રૅડિટ કાર્ડ, ઉપભોગ માટેની વસ્તુઓ, લગ્ન, સ્વાસ્થ્યસંબંધી કટોકટી સહિતની જરૂરિયાતો માટે લેવાતું દેવું કુલ ઘરેલુ દેવાના 20 ટકા હોવા છતાં સૌથી ઝડપથી વધતું જતું દેવું છે.
તો ઓછી બચત અને વધુ દેવાનું આ વલણ વિશ્વના પાંચમા સૌથી મોટા અર્થતંત્ર એવા ભારત વિશે શું જણાવે છે? શું વધી રહેલું દેવું અને ખર્ચ ભવિષ્યના આશાવાદનાં પ્રતીક છે કે ઘટી રહેલી આવક, ફુગાવો અને આર્થિક તંગીની નિશાની?
ગુપ્તા જણાવે છે કે, “ગ્રાહકોમાં થોડો આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે. ઘણા ભારતીયોને ભવિષ્યમાં સારી કમાણીનો વિશ્વાસ છે. અથવા ભવિષ્યનો વિચાર કરવાને બદલે તેઓ વર્તમાન સમયમાં સારી સુખ-સુવિધા ભોગવવા માગે છે.”
તેઓ કહે છે કે, “અહીં એ પણ સવાલ થાય છે કે શું ભારતીયોના માનસિક વલણમાં વધુ ખર્ચ કરવા સંબંધી પરિવર્તન આવ્યું છે? કદાચ આવું હોઈ શકે.” જોકે, તેઓ આ વલણનાં કારકો અંગે સ્પષ્ટતા ન હોવાનું ઉમેરે છે.
જોકે, આર્થિક તંગી કે કટોકટી દરમિયાન જરૂરિયાત કે નિરાશાને કારણે લેવાતા દેવાનું શું? આ પ્રકારનાં દેવાં લોન ડિફોલ્ટમાં પરિણમી શકે છે. બીજી તરફ દેવું ધીરનાર પોતાનું કામ યોગ્ય રીતે કરી રહ્યા હોય તો તે નાણાકીય સંકટમાં ફસાયેલા આવા લોકોને દેવું ધીરવાનું કેમ ચાલુ રાખે, જ્યારે એમની ક્રૅડિટ રેટિંગ પણ સારી ના હોય?
ગુપ્તા અનુસાર અહીં મુખ્ય તકલીફ લોન લેવા ઇચ્છુક લોકો અંગેનો વિસ્તારપૂર્વકનો ડેટા છે. જેમ કે તેઓ કયા પ્રકારની નોકરી કરે છે? કેટલા લોકોએ કેટલી લોન લીધી છે? (એક વ્યક્તિ એક કરતાં વધુ લોન લઈ શકે છે.) તેઓ આ લોનનાં નાણાંનો ઉપયોગ શા માટે કરે છે? લોન પરત કરવાનો તેમનો ઇતિહાસ કેવો છે?
જોકે, આ માટે કેટલાક સંકેતો મોજૂદ છે. ગુપ્તા અને મોતિલાલ ઓસવાલ ખાતે તેમનાં સહકર્મી અર્થશાસ્ત્રી તનીશા લાધાને જાણવા મળ્યું છે કે પાછલા દાયકામાં ઘરેલુ દેવામાં થયેલી વૃદ્ધિ એ ‘ક્રૅડિટ વિસ્તૃતિકરણ’ એટલે કે લોન લેવા ઇચ્છુક લોકોની સંખ્યામાં વધારાના કારણે જોવા મળી છે, ના કે ‘ક્રૅડિટ ઊંડાણ’ એટલે કે પ્રતિ વ્યક્તિ વધુ દેવાંના કારણે. અમુક લોકો વધુ લોન લે તેના કરતાં વધુ લોકો લોન લે એ સ્થિતિ યોગ્ય છે.
તેમને એવું પણ જાણવા મળ્યું છે કે ભારતીય ઘરોમાં ડેટ્ સર્વિસ રેશિયો (ડીએસઆર) 12 ટકાનો છે. ડીએસઆર એટલે સર્વિસ લોન માટે ઉપયોગમાં લેવાતી આવક. આ પ્રમાણ નૉર્ડિક દેશો સમકક્ષ છે. તેમજ ચીન, ફ્રાન્સ, યુકે અને અમેરિકા કરતાં આ પ્રમાણ વધુ છે.
નોંધનીય છે કે આ તમામ દેશોમાં ઘરેલુ દેવાનું પ્રમાણ વધુ છે. ભારતમાં આ ફરક વ્યાજના વધુ પ્રમાણ અને લોનના ટૂંકા સમયગાળાને કારણે છે. જેના કારણે આવક સામે દેવાનું પ્રમાણ ઓછું હોવા છતાં ડીએસઆર અન્ય દેશો કરતાં વધુ છે.
ગત સપ્ટેમ્બરમાં ભારતના નાણા-મંત્રાલયે ઘટતી જતી બચત અને વધતા જતા દેવા અંગેના ભયને નિરર્થક ગણાવ્યો. મંત્રાલયે કહ્યું કે કોરોના મહામારી બાદથી લોકો ઘર, કાર અને ઍજ્યુકેશન લોન માટે વ્યાજના ઓછા દરોનો લાભ લઈ રહ્યા છે.
મંત્રાલયે એવું પણ જણાવ્યું કે લોકો ઘર અને વાહનો જેવી મિલકત વસાવવા માટે દેવું લઈ રહ્યા છે, જે “તંગી નહીં પરંતુ ભવિષ્યમાં નોકરી અને આવક બાબતે આત્મવિશ્વાસ દર્શાવે છે.”
અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના ઝીકો દાસગુપ્તા અને શ્રીનિવાસ રાઘવેન્દ્ર આ બાબતે ચેતવે છે. બંને અર્થશાસ્ત્રીઓએ ધ હિંદુ અખબારમાં લખ્યું હતું કે દેવામાં વધારા સાથે બચતમાં થતો ઘટાડો “લોન પરત ભરપાઈ કરવા સંબંધી ભય અને આર્થિક ભંગુરતા” સૂચવે છે.
રથિન રૉય જેવા અન્ય અર્થશાસ્ત્રીઓ જી20 દેશોમાં સૌથી ઓછી પ્રતિ વ્યક્તિ આવકવાળા દેશ એવા ભારતમાં દેવા પર વધતી જતી નિર્ભરતા અંગે ચિંતા અનુભવે છે. તેમણે બિઝનેસ સ્ટાન્ડર્ડમાં નોંધ્યું હતું કે સરકાર પાયાની સેવાઓ અને સબસિડી માટે નાણા મેળવવા માટે દેવું કરે છે, જ્યારે લોકો ઉપભોગ માટે. આ બાબત “અગાઉથી ઘટતી જતી આર્થિક બચતના પ્રવાહ”ને ઘટાડે છે તેમજ દેવાના ખર્ચમાં વધારો કરે છે.
ગુપ્તા અને લાધા માને છે કે દેવાના પ્રમાણમાં હાલ થયેલો વધારો ભારતની આર્થિક અને મેક્રોઇકૉનૉમિક સ્થિરતા પર અસર કરતો નથી. પરંતુ જો આ વલણ ચાલુ રહ્યું તો આ તેની સ્થિરતા અંગે ચિંતા છે.
બિઝનેસ કન્સ્લ્ટન્ટ રમા બીજાપુરકર પોતાના નવા પુસ્તક ‘લિલિપુટ લૅન્ડ’માં લખે છે કે ભારતનો ઉપભોક્તા એક ચારરસ્તે ઊભો છે જ્યાં તે સારા જીવનનાં સપનાં જોઈ રહ્યો છે પણ એની સાપે ખરાબ સામાજિક સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. એવામાં એની આવક ઓછી અને વળી અસ્થિર પણ છે.
બીજા શબ્દોમાં કહીએ તો ભારતીય ઉપભોક્તા આ વસ્તુઓ વચ્ચે સંતુલન બનાવવાના પ્રયાસમાં લાગેલો છે.










