ન્યૂજર્સીના રોબિન્સવિલમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે સામાજિક ઉત્તરદાયિત્વ અને સેવાભાવનાની પ્રેરણા આપતો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો

BAPS સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં જુલાઇ ૧૬, ૨૦૨૩ ના દિને રોબિન્સવિલમાં “ફેસ્ટિવલ ઓફ ઈન્સપીરેશન્સ એટલે કે “પ્રેરણાના મહોત્સવ”નો આરંભ થયો હતો.
આ મહોત્સવ અંતર્ગત, તાજેતરમાં સ્વામિનારાયણ અક્ષરધામ, રૉબિન્સવિલ, ન્યૂજર્સી ખાતે ‘My Country, My Duty’ થીમ હેઠળ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો હરિભક્તોની સાથે સેંકડો સંતો અને અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ આદર્શ નાગરિક તરીકે સમાજમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે પ્રદાન કરવાની પોતાની પ્રતિબદ્ધતાને દ્રઢ કરી હતી. BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું સર્જન પણ હજારો સ્વયંસેવકોએ એક ઉદાત્ત ધ્યેય માટે, નિ:સ્વાર્થ સેવાભાવના સાથે પોતાના સમય અને શક્તિ દ્વારા કરેલાં સમર્પણનું પ્રતીક છે.
કાર્યક્રમના આરંભમાં ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જહોન એફ. કેનેડીના પ્રસિદ્ધ અવતરણ, – ‘તમારો દેશ તમારા માટે શું કરી શકે છે તે નહીં, પરંતુ તમે તમારા દેશ માટે શું કરી શકો છો, તે પૂછો’ – દ્વારા કાર્યક્રમનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરવામાં આવ્યો. માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના અવતરણ – ‘દરેક વ્યક્તિ મહાન થઈ શકે છે, કારણકે કોઈ પણ વ્યક્તિ સેવા કરી શકે છે. તમારે કેવળ કરુણાથી ભરેલા હૃદયની આવશ્યકતા છે. પ્રેમથી પરિપક્વ થયેલા આત્માની જરૂર છે.’ – દ્વારા કાર્યક્રમના થીમને ઘુંટાવવામાં આવ્યો.
BAPSના પૂ. ચૈતન્યમૂર્તિ સ્વામીએ તેઓના પ્રેરણાદાયી વક્તવ્યમાં જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજ રાષ્ટ્રસેવાને ધર્મ ગણતા. તેમણે જણાવ્યું કે ‘અક્ષરધામનું સર્જન પ્રમુખસ્વામી મહારાજે અને મહંતસ્વામી મહારાજે સૌમાં સીંચેલી સેવાભાવનાનું મૂર્તિમંત ઉદાહરણ છે. આ પ્રેરણાના મહોત્સવમાં સમ્મિલિત તમામ સ્વયંસેવકોની સેવાભાવના અક્ષરધામના સર્જનમાં અને સ્થાનિક સ્તરે અનેકવિધ સેવાપ્રવૃતિઓમાં પ્રતિબિંબિત થતી જોઈ શકાય છે.’
ફિઝર્વના COO શ્રી ગાય ચિયારેલોએ અક્ષરધામમાં સ્વયંસેવકોના સમર્પણ વિશે જણાવ્યું, “આપણે કેટલું લાંબુ જીવીએ છીએ તેના કરતાં વધુ મહત્વનું એ છે કે વાસ્તવમાં એવી કેટલી પળો છે જે આપણા જીવનને ઉજાળી જાય! આપણને રોમાંચિત કરી દે! આજે હું અનેક પરિવારો અને સ્વયંસેવકોના આવા એક ભવ્ય વિઝન અને કાર્ય પ્રત્યે સમર્પણના અદભૂત પ્રભાવનો સાક્ષી બન્યો છું.”
મેમોરિયલ સ્લોન કેટરિંગ અને કોર્નેલ કેન્સર સેન્ટર સાથે જોડાયેલા ડૉ. મનજીત સિંહ બેન્સે અક્ષરધામના ઉત્કૃષ્ટ સ્થાપત્યની સાથે તેના દ્વારા પ્રાપ્ત થતાં ગહન મૂલ્યો માટે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે અક્ષરધામ યુવાપેઢીમાં આદરં, ઉત્તરદાયિત્વ અને સામાજિક પ્રદાન જેવા મૂલ્યસિંચનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવશે.
કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, અગ્નિશામકદળના કર્મચારીઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓ જેવા જાહેર સેવાઓમાં જોડાયેલ વ્યક્તિઓને તેઓની સેવાઓ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. BAPS દ્વારા મર્સર કાઉન્ટીની રેપિડ રિસ્પોન્સ પાર્ટનરશિપને કઠિન ઘટનાઓમાં સરાહનીય કામગીરી માટે $5,000 નું દાન આપવામાં આવ્યું હતું. આવી આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતી વખતે પોતાનો જીવ ગુમાવનારા કર્મચારીઓના પરિવારોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે સમર્પિત સંગઠન 200 ક્લબ ઓફ મર્સર કાઉન્ટીને પણ $5,000નું દાન BAPS દ્વારા આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રવચનો અને સંવાદો દ્વારા સરળ પરંતુ દીર્ધકાલીન અસરો ઉપજાવનાર પ્રયાસો જેવા કે મતદાન, સ્વચ્છતા જાગૃતિ અંગે પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે તેઓના આશીર્વચનમાં જણાવ્યું,
“તમે ડૉક્ટર હોવ કે શિક્ષક, કોઈ પણ વ્યવસાયમાં શ્રેષ્ઠ બનવા તરફ લક્ષ્ય આપો. સામાન્ય ન બની રહો, પરંતુ સમાજનું ઉત્થાન કરે તેવી રીતે ઉત્કૃષ્ટ બનો.”
આ કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવો જેવાં કે રોબિન્સવિલ ટાઉનશીપના મેયર શ્રી ડેવિડ ફ્રાઈડ, રોબિન્સવિલ ટાઉનશિપના પોલીસ વિભાગના મુખ્ય માઈકલ પોલાસ્કી, વેસ્ટ વિન્ડસર ટાઉનશિપના પોલીસ વિભાગના મુખ્ય રોબર્ટ ગારાપોલો, ન્યૂજર્સીના સાંસદ રોબર્ટ કારાબિંચક, ન્યુજર્સી બોર્ડ ઓફ પબ્લિક યુટિલિટી કમિશનર શ્રી ઉપેન્દ્ર ચિવુકુલા, ફીઝર્વના COO શ્રી ગાય ચિયારેલો અને તેમના પત્ની ડેનિસ, ફીઝર્વના CIO શ્રી ઉમાશંકર નિસ્તાલા, જેપી મોર્ગનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી માર્ક ચિયારેલો અને તેમના પત્ની શ્રીમતી બ્રોગન ચિયારેલો, મેમોરિયલ સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટરના પ્રતિષ્ઠિત સર્જનો ડો. પ્રમોદ સોગાની અને ડો. મનજીત સિંહ બેન્સ તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પેથોલોજિસ્ટ શ્રીમતી નીતા દલાલ સાથે ડૉ. બકુલ દલાલ ઉપસ્થિત રહ્યા હતા.
આજના કાર્યક્રમમાં સર્વે વક્તાઓએ પ્રામાણિકતા, કરુણા, સેવા જેવાં મૂલ્યોને આત્મસાત કરીને જીવવાનો અનુરોધ કર્યો હતો. જ્યારે આપણે મૂલ્ય આધારિત નિર્ણયો લઈએ છીએ, ત્યારે અનેક લોકોના જીવનને સ્પર્શી શકીએ છીએ તેવા સંદેશ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.










