INTERNATIONAL
રમઝાન પવિત્ર માસના પહેલા જ દિવસે થયા 67 લોકોના મોત
રમઝાન મહિનામાં પણ ઈઝરાયેલના ગાઝા પર હુમલા

પવિત્ર રમઝાન માસમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુધ્ધ વિરામ થશે તેવી આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ઈઝરાયેલે ગાઝામાં લશ્કરી કાર્યવાહી ચાલુ જ રાખી છે. રમઝાન મહિનાના પહેલા જ દિવસે ઈઝરાયેલના હુમલામાં 67 લોકોના મોત થયા છે અને તે સાથે જ પેલેસ્ટાઈનમાં ઈઝરાયેલના હુમલામાં મોતને ભેટેલા નાગરિકોની સંખ્યા 31000ને પાર કરી ગઈ હોવાનો દાવો ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો છે.
ઈઝરાયેલની કાર્યવાહીના કારણે રમઝાન મહિનામાં પણ ગાઝામાં અંધકાર, ભૂખમરો અને ચારે તરફ બેહાલીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જોકે આવી સ્થિતિમાં પણ લોકોએ રોઝા રાખવાનું શરૂ કર્યુ છે. પેલેસ્ટાઈનમાં ઈઝરાયેલી હુમલાના કારણે માનવીય સંકટ ઘેરુ બની રહ્યું છે. અમેરિકા, કતાર અને ઈજિપ્તને આશા હતી કે, રમઝાન મહિના પહેલા યુધ્ધ વિરામ થશે અને તેના ભાગરુપે ઈઝરાયેલની જેલોમાં પુરાયેલા પેલેસ્ટાઈનના લોકો તેમજ હમાસે બંધક બનાવેલા ઈઝરાયેલી નાગરિકોની અદલા બદલી થશે પણ એવું શક્ય નથી બન્યું. હવે તો રમઝાન મહિનો શરૂ પણ થઈ ગયો છે ત્યારે ઈઝરાયેલે હુમલા નહીં રોક્યા હોવાથી યુધ્ધ વિરામની શક્યતાઓ ધૂંધળી બની ચુકી છે.ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રમઝાનના પહેલા દિવસે 67 લોકોના મોત થયા છે અને તેમાં 75 ટકા મહિલાઓ અને બાળકો છે.

[wptube id="1252022"]









