
નવી દિલ્હી: બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી મામલે કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. જેમાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે વસ્તી ગણતરી અથવા તેની સાથે સંકળાયેલી કોઇપણ પ્રવૃત્તિ ફક્ત કેન્દ્ર દ્વારા જ થઇ શકે.
વસ્તી ગણતરી અધિનિયમ 1948 મુજબ કેન્દ્ર સરકાર પાસે જ વસ્તી ગણતરી કરાવવાનો અધિકાર છે. રાજ્યો પાસે નહી. અધિનિયમની ધારા-3 હેઠળ કેન્દ્રને આ અધિકાર ન્યાયતંત્ર દ્વારા પ્રાપ્ત થયો છે. કેન્દ્ર સરકારે જ જાહેરાત કરવાની હોય છે કે દેશમાં વસ્તી ગણતરી થઇ રહી છે અને તેના સિવાય અન્ય કોઇને એવી સત્તા નથી. આ સાથે જ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે એસસી, એસટી અને ઓબીસીના કલ્યાણ માટે સરકાર દ્વારા તમામ પ્રગતિકારી પગલા લેવામાં આવી રહ્યા છે. જે બંધારણ અને ન્યાયતંત્ર મુજબ છે. આ બંધારણના વસ્તી ગણતરી અધિનિયમ 1948 હેઠળની એક પ્રક્રિયા છે. અને કેન્દ્રીય અનુસૂચિની 7મી શ્રેણીના 69મા ક્રમ હેઠળ તેના આયોજનનો અધિકાર ફક્ત કેન્દ્ર સરકાર પાસે જ છે.