
તા.૨/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજ્ય સરકાર દ્વારા “નારી વંદન ઉત્સવ”ની ઉજવણી અંતર્ગત ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહ દરમિયાન મહિલા કલ્યાણલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, જેના ભાગરૂપે આજે લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય ખાતે “મહિલા સુરક્ષા દિવસ”ની ઉજવણી અંતર્ગત ૩૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓને સુરક્ષાની તાલીમ અપાઇ હતી.
મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી રાજકોટ દ્વારા પહેલી ઓગસ્ટે શ્રી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય, રાજકોટ ખાતે ૩૦૦થી વધુ વિદ્યાર્થીનીઓને “મહિલા સુરક્ષા દિવસ”ની થીમના અનુરૂપ નાટક દ્વારા મહિલા સુરક્ષાલક્ષી યોજનાઓની માહિતી અપાઇ હતી. વિદ્યાર્થીનીઓએ મહિલા સુરક્ષા અંગેના નારા સાથે યોજેલી રેલીમાં ૧૫૦થી વધુ દીકરીઓ જોડાઈ હતી. જેમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી સોનલબેન રાઠોડ, શ્રી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલશ્રી ભરતસિંહ પરમાર, ડીસ્ટ્રીકટ મિશન કો-ઓર્ડીનેટર જેવીનાબેન માણાવદરીયા(EHEW), એકાઉન્ટ આસીસ્ટન્ટ હીરવાબેન રાઠોડ(DHEW) તેમજ જુનિયર ક્લાર્ક(RDD) આયુષીબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા.
“મહિલા સુરક્ષા દિવસ”ની ઉજવણી સેક્રેટરીશ્રી એન.એચ. નંદાણીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ – રાજકોટ ખાતે કરવામાં આવી હતી, જેમાં ૩૦થી વધુ પેરા લીગલ વોલેન્ટીયર્સને ડીસ્ટ્રીક્ટ મિશન કો-ઓર્ડીનેટર દ્વારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહ અંતર્ગત યોજાનાર વિવિધ દિવસની ઉજવણીની માહિતી આપવામાં આવી હતી, તેમજ કેન્દ્ર સંચાલક દ્વારા “સખી” વન સ્ટોપ સેન્ટર યોજના, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સ્પોટ સેન્ટર, અને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અંગે માહિતી આપ્યા બાદ મહિલા સુરક્ષા અંગે કાયદાકીય વિષય પર પ્રશ્નોત્તરી દ્વારા કાયદાકીય માર્ગદર્શન અને સુરક્ષાલક્ષી માળખાઓની માહિતી આપવામાં આવી હતી.
ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન આદર્શ નિવાસ શાળા, રાજકોટ ખાતે કરવામાં આવેલ હતું. તેમાં ૧૫૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી સોનલબેન રાઠોડ અને સીમાબેન શિંગાળા દ્વારા મહિલા સુરક્ષાલક્ષી અને કાયદાલક્ષી વિવિધ માળખાઓની માહિતી આપવામાં આવી હતી.