
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ગુજરાત વિધાનસભામાં જાહેર કરાયેલ બજેટ ડાંગ જિલ્લાને ફળ્યુ.આઝાદી બાદ પ્રથમ વખત બજેટમાં છેવાડેનાં ડાંગ જિલ્લાને મેડિકલ કોલેજની ભેટ મળી….
પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત વિધાનસભાની 24મી ફેબ્રુઆરીએ યોજાયેલ બજેટની બેઠકમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરાયેલ 2023-24નું વાર્ષિક અંદાજપત્ર છેવાડેનાં ડાંગ જિલ્લાને ફળ્યુ છે.રાજ્યનાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2023-24નાં વર્ષમાં તબીબી શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ડાંગ જિલ્લામાં નવી મેડિકલ કોલેજની સ્થાપના માટેની જોગવાઈ કરી છે.ડાંગ જિલ્લામાં આઝાદી બાદ તબીબી ક્ષેત્રે પ્રથમ વખત મેડિકલ કોલેજની ભેટ મળતા આવનાર દિવસોમાં તબીબી ક્ષેત્રે ડાંગ જિલ્લામાં સુવિધાઓ મળી રહેશે.વધુમાં વર્ષ 2023-24નાં બજેટમાં માર્ગ અને મકાન વિભાગ ક્ષેત્રે ડાંગ જિલ્લાનાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરને જોડતા 218 કિમી લંબાઈનાં રસ્તા પૈકી 95 કિમી લંબાઈનાં રસ્તાઓ માટે 219 કરોડની કામગીરી. જેના માટે 140 કરોડની જોગવાઈ કરતા પ્રવાસીઓ સરળતાથી પ્રવાસ કરી શકશે.ચાલુ વર્ષનાં બજેટમાં તબીબી અને માર્ગ મકાન ક્ષેત્રની જોગવાઈની ભેટ મળતા ડાંગવાસીઓમાં આનંદની લાગણી પ્રવર્તવા પામી છે.બજેટ બાબતે ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે રાજય સરકારનો આભાર વ્યક્ત કરી જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારે આખરે છેવાડેનાં જિલ્લાની કદર કરી છે.ડાંગ જિલ્લો નાનકડો હોવા છતાંય સરકાર દ્વારા શિક્ષણ અને તબીબી ક્ષેત્રે સુવિધાઓ સભર બને તથા જિલ્લાનાં આદિવાસી ગરીબ દર્દીઓની સારવાર જિલ્લા લેવલે થઈ શકે તે માટે મેડિકલ કોલેજની ફાળવણી કરી ડબલ એન્જીનનો વિકાસ સાર્થક કર્યો છે. ડાંગ જિલ્લાનાં દર્દીઓને સારવાર માટે વલસાડ દોડી જવુ પડે છે. પરંતુ આવનાર દિવસોમાં ડાંગ જિલ્લામાં નવી મેડિકલ કોલેજનાં પગલે દર્દીઓને સ્થાનિક લેવલે તબીબીની તમામ સુવિધાઓ મળી રહેશે.રાજ્ય સરકારનાં આ મહત્વપુર્ણ નિર્ણયને અમો પ્રતિનિધિ તરીકે અને પ્રજાવતી આવકારીએ છીએ…





