
તા.૧ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
ડાપ્રધાનશ્રીની પ્રાકૃતિક ખેતીની સંકલ્પનાને સાકાર કરવા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પ્રકૃતિક ખેતી અંગેની તાલીમ આપવામાં આવે છે, જેના અનુસંધાને રાજકોટ જિલ્લાના ખેડૂતો પણ કુદરતી ખાતર અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે “આત્મા પ્રોજેક્ટ” હેઠળ તાલીમ આપવામાં આવી રહી છે.

જિલ્લામાં વધુને વધુ લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૧ તાલુકાઓની ૫૦૮ ગ્રામપંચાયતોમાં આશરે ૩૪,૩૬૨ ખેડૂતોને આ તાલીમ આપવામાં આવી છે. જેમાં પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદન ક્ષમતામાં થતો વધારો, નહીવત ઉત્પાદન ખર્ચ, રસયાણમુક્ત પેદાશ, પાણી અને વીજળીની બચત, મિત્ર કીટક અને મધમાખીનું રક્ષણ, પર્યાવરણ, માનવીય સ્વાસ્થ્ય અને જીવસૃષ્ટિના રક્ષણ પોષણ વિશે જાણકારી વગેરે આપવામાં આવે છે. તેમજ નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને બધા જ પ્રકારની જીવાત-ફુગના નિયંત્રણ માટે સર્વોત્તમ દશપર્ણી અર્ક તૈયાર કરવાની પધ્ધતિ સાથે તેનાથી થતા ફાયદા વિશે સમજ આપવામાં આવે છે. તેમ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા,રાજકોટ શ્રી એચ.ડી.વાદીએ જણાવ્યું હતું.








