Rajkot: જામકંડોરણા ખાતે તલાટીઓ સાથે આવશ્યક સેવાઓની વર્ચ્યુઅલી સમીક્ષા કરાઈ

તા.૯/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં ચૂંટણી દરમિયાન પણ લોકોની જીવન આવશ્યક સુવિધાઓની કામગીરી યથાવત રહે, તે માટે તાલુકા પંચાયત જામકંડોરણા ખાતેથી તાલુકા વિકાસ અધિકારીશ્રી એચ.એમ.ભાસ્કર દ્વારા જામકંડોરણા તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓશ્રી સાથે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મામલતદારશ્રી દ્વારા પીવાના પાણી, રખડતા ઢોરો અંગેની કામગીરીની સમીક્ષા કરી, માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ રખડતા ઢોરના અંકુશ માટે તાલુકાની ગૌશાળાઓના સંચાલકો સાથે બેઠક તથા સમજૂતિ કરીને ગ્રામ પંચાયતો દ્વારા પકડેલા ઢોર સ્વીકારવા માટે સહમતી સધાઈ હતી. ટી.ડી.ઓ.શ્રી ભાસ્કરે તમામ તલાટીઓને ૧૨મી તારીખે લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪નું જાહેરનામું પ્રસિધ્ધ કરવા સમયે નિયત સ્થળ પર ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું. તલાટી કમ મંત્રીશ્રીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારની પ્રજા પણ મતદાન અંગે જાગૃત થાય તે માટે પ્રયાસો હાથ ધરવા કહ્યું હતું તેમ તાલુકા વિકાસ અધિકારીશ્રી જામકંડોરણાની યાદીમાં જણાવાયું છે.









