
તા.૨૫/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
“ગુજરાતની ભવ્યતા, સાંસ્કૃતિક વારસો, પર્યટન સ્થળો, સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓની માહિતી સચિત્ર સાથે મળી શકે તેવું માહિતી પ્રદર્શન કેન્દ્ર” શિક્ષકશ્રી મનીષાબેન મોડીયા
Rajkot, Virpur: સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર (જલારામ) ખાતે આવેલા રાજ્ય સરકારના માહિતી ખાતાના સૌરાષ્ટ્રનાં એકમાત્ર માહિતી પ્રદર્શન કેન્દ્ર,વિરપુરની મુલાકાત માતૃશ્રી મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ લીધી હતી.

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનાં વિરપુર ખાતે આવેલી શ્રી વિરપુર કેળવણી મંડળ સંચાલિત માતૃશ્રી મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યશ્રી સ્વાતિબેન દેવમુરારીની આગેવાની હેઠળ શિક્ષકોશ્રી મનિષાબેન મોડીયા, શ્રી લલીતાબેન વડારિયાના નેતૃત્વ હેઠળ ધો. ૦૯ થી ૧૨ માં અભ્યાસ કરતી આશરે ૧૮૦ જેટલી વિદ્યાર્થિનીઓએ “માહિતી પ્રદર્શન કેન્દ્ર, વિરપુર”ની મુલાકાત લીધી હતી.
વિરપુર ખાતે કાર્યરત ગુજરાત સરકારના માહિતી વિભાગના પ્રદર્શન કેન્દ્રમાં પ્રદર્શિત કરાયેલા ગુજરાત રાજ્યનાં જોવાલાયક અને દર્શનીય સ્થળોના વિશાળ કદના ફોટોગ્રાફ્સ સહિત રાજ્ય સરકારની સિદ્ધિઓનું સચિત્ર વર્ણન કરતા આકર્ષક ચિત્રો, ફોટોગ્રાફ્સ, ગુજરાતની અવનવી માહિતીઓ, ગુજરાતનાં ઉદ્યોગો, ગુજરાતનો ભવ્ય વારસો વગેરેનું ઉત્સાહભેર નિર્દશન કરી વિદ્યાર્થિનીઓએ રસપ્રદ જાણકારી મેળવી હતી.

આ તકે શાળાના શિક્ષકશ્રી મનીષાબેન મોડીયાએ પ્રદર્શન કેન્દ્ર થકી વિદ્યાર્થિનીઓને સર્વગ્રાહી માહિતી મળી રહેતા “માહિતી પ્રદર્શન કેન્દ્ર, વિરપુર” તથા ગુજરાત સરકાર પ્રત્યે કૃતજ્ઞતા સાથે અભિપ્રાય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ” સરકારના આ માહિતી પ્રદર્શન કેન્દ્ર થકી પ્રવાસીઓની સાથે સાથે શાળાઓના બાળકોને પણ સરકારના પ્રજાભિમુખ અભિગમનો ખ્યાલ આવે, ગુજરાતની ભવ્યતા, સાંસ્કૃતિક વારસો, ગુજરાતના પર્યટન સ્થળોની વિગતોની સાથે સાથે, રાજ્યસરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓને લગતી માહિતી સચિત્ર નિહાળી શકાય છે.”

ઉલ્લેખનિય છે કે, ગુજરાત સરકાર પ્રવાસન ક્ષેત્રોના વિકાસને વેગ આપી રહી છે ત્યારે જલારામબાપાના સ્થાનક એવા વિરપુર ખાતે લાખો દર્શનાર્થીઓ આવતા હોય છે. વિરપુર નજીક સુપ્રસિદ્ધ ખોડલધામ મંદિર ખાતે આવેલ શક્તિવન, ખંભાલીડાની ગુફાઓ પણ આવેલી છે. આ પ્રદર્શન કેન્દ્ર પ્રવાસીઓને ગુજરાતની અસ્મિતા અને ગુજરાતના ઐતિહાસિક વારસા તથા ગુજરાતના વિકાસ અંગેની ઝાંખી કરાવે છે. પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટનાં સંયુક્ત માહિતી નિયામકશ્રી મિતેશભાઈ મોડાસિયા તથા નાયબ માહિતી નિયામકશ્રી પ્રશાંતભાઈ ત્રિવેદીના સીધા માર્ગદર્શન હેઠળ વિરપુર માહિતી પ્રદર્શન કેન્દ્રનો લાભ અત્યાર સુધીમાં બહોળી સંખ્યામાં પ્રવાસીઓએ મેળવ્યો છે.









