
તા.૨૨/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લામાં હાલ લોકોમાં અંગદાન અંગે ખૂબ જાગૃતિ જોવા મળી રહી છે.જેમાં હવે લોકો ત્વચાદાન એટલે કે સ્કીન ડોનેશન અંગે પણ વધુ જાગૃત બની રહ્યા છે.રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલી સ્કીન બેન્કમાં કેડેવર દર્દીઓની ત્વચાનું દાન સ્વીકારાય છે. ત્યારે પીડીયુ હોસ્પિટલ રાજકોટને વધુ એક સ્કીન ડોનેશન મળ્યું છે.

રાજકોટના સ્વ.સુભાષભાઈ રાજારામભાઈ મરાઠા તા.૨૦/૦૫/૨૦૨૪ના રોજ અવસાન પામ્યા હતા. તેમના અંગદાન કરવા નિર્ણય લેવામાં આવ્યા હતા. સ્વજનના મૃત્યુના આઘાત વચ્ચે પણ પરિવારે અન્ય દર્દીઓને મદદરૂપ થવાની ઉમદા ભાવના સાથે અંગદાન-ત્વચાદાનનો નિર્ણય કર્યો હતો. આથી તેમના પરિવારે પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે આવેલી સ્કીન બેન્કનો સંપર્ક કર્યો હતો. આથી સ્કીન બેન્કની ટીમે મૃતકની સ્કીન હાર્વેસ્ટ કરીને સ્કીન ડોનેશનમાં મેળવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે,સ્કિન ડોનેશનથી મેજર બર્ન્સના દર્દીઓની ઝડપથી રિકવરી થશે તથા ટ્રોમા દર્દીઓને બાયોલોજીકલ ડ્રેસીંગ માટે પણ આ ત્વચાનો ઉપયોગ કરી શકાશે.
રાજકોટવાસીઓમાં અંગદાન, રક્તદાન સાથે સાથે હવે ત્વચા દાનમાં પણ ખુબ સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. લોકોમાં આ અંગે આવતી જાગૃતિ ખૂબ જ સરાહનીય છે.
પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટના તબીબી અધિક્ષકશ્રી ડો. આર.એસ.ત્રિવેદી અને પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટનાં પ્લાસ્ટીક સર્જરી વિભાગના વડાશ્રી ડો. મોનાલી માકડીયા, સ્કીન ડોનેશન જેવા ઉમદા કાર્ય માટે લોકો સજાગ થાય તે માટે હંમેશા પ્રત્યનશીલ છે તેમ તબીબી અધિક્ષક, પી.ડી.યુ હોસ્પિટલ રાજકોટની યાદીમાં જણાવાયું છે.








