VALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાઈ

વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાઈ

— ચોમાસામાં બે માસનું અનાજ એડવાન્સમાં આપવા રજૂઆત કરાઈ

—  તા. ૩૦ મી સુધીમાં ગ્રાહકો અનાજ લેવા ન આવે તો ફોનથી જાણ કરવા વ્યવસ્થા બનાવાશે

— ઉમરગામમાં મોહનગામ અને ધોડીપાડામાં વ્યાજબી ભાવની બે દુકાનને મંજૂરી અપાઈ

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૭ જૂન

વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિ અને જિલ્લા તકેદારી સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા સમાહર્તાશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષપણા હેઠળ મળી હતી.

ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરે ફરિયાદ કરતા જણાવ્યું કે, સરકાર દ્વારા પ્રજાને સસ્તા દરે અનાજ પુરૂ પાડવામાં આવે છે અને વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો દ્વારા પૂરતુ અનાજ અપાતુ ન હોવાની ફરિયાદો મળી રહી છે. જેથી ગ્રાહકોને પોતાના હકનું પૂરતુ અનાજ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે રજૂઆત કરી હતી. વધુ શ્રીપાટકરે કહ્યું કે, હવે ચોમાસાની સિઝન શરૂ થનાર છે તો કેટલાય ગામડામાં પુલ-કોઝવે ડૂબાણમાં જતા હોય છે જેના કારણે લોકો કંટોલમાં અનાજ લેવા પહોંચી શકતા નથી તો તેવા સંજોગોમાં બે માસનો એડવાન્સ અનાજનો જથ્થો આપવા રજૂઆત કરી હતી.

તમામ મામલતદારોને અન્નબ્રહ્મ યોજના હેઠળ દર મહિને રેશન કાર્ડ ન ધરાવતા ઘર વિહોણા જરૂરીયાતમંદોને અન્ન સુરક્ષા પુરી પાડવા અધ્યક્ષસ્થાનેથી સૂચન કરાયું હતું. તમામ તાલુકાઓમાં એપ્રિલ ૨૦૨૩ અંતિત વિતરણ નિર્ધારિત લક્ષ્યાંક કરતા ઓછુ હોવાથી ચાલુ માસનું વિતરણ ઓછામાં ઓછુ ૯૫ ટકા સુધી કરવા મામલતદારોને સૂચના આપી હતી. તમામ મામલતદારો અને તેમની ટીમ દ્વારા નિયત વાજબીભાવની દુકાનની તાલુકા દીઠ ૧૮ની તપાસણી અંગે તકેદારી રાખવા સૂચના આપી હતી.

પુરવઠા સલાહકાર સમિતિના સભ્ય અને અટગામ વિવિધ સેવા સહકારી મંડળીના ચેરમેન રૂપેશભાઈ પટેલે જણાવ્યું કે, ગામડામાં લોકો ધંધા રોજગાર અર્થે બહારગામ જતા હોવાથી તેઓ મહિનાની ૩૦મી તારીખ સુધીમાં અનાજ લેવા પહોંચી શકતા નથી. જો બે મહિના સુધી અનાજ ન લે તો રાશન કાર્ડ બંધ થઈ જાય અને ફરી ચાલુ કરવા માટે ગ્રાહકોએ હેરાન થવુ પડે છે. જેથી ગ્રાહક તારીખ ચુકી ન જાય તે માટે વ્યાજબી ભાવની દુકાનના સંચાલક ફોન કરી જાણ કરે તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચન કર્યુ હતુ. જે સૂચનને કલેકટરશ્રીએ આવકારી અમલમાં મુકવા જણાવ્યું હતું. આ બેઠકમાં ઉમરગામ તાલુકામાં મોહનગામ અને ધોડીપાડામાં વસ્તીના આધારે વ્યાજબી ભાવની બે દુકાન ફાળવવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, પ્રોબેશનરી આઈએએસ નિશા ચૌધરી, નિવાસી અધિક કલેકટર અનસૂયા જ્હા, જિલ્લા પુરવઠા અધિકારી કાજલ ગામીત, જિલ્લાના મામલતદારો અને કંટોલ સંચાલકો તેમજ સમિતિના સભ્યો ઉપસ્થતિ રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button