
વલસાડ તા.૧૪ઃ
આછવણી પ્રગટેશ્વરધામના ધર્માચાર્ય પૂ. પરભુદાદાનો ૮૪ મો જન્મદિન નાસિક જિલ્લાના પરમોરી ગામે સુપ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઇ શુક્લ સહિત નાશિકના સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ખુબ જ ધામધૂમથી ઉજવાયો હતો. આ ઉજવણીમાં ગુજરાત, મહારાષ્ટ્રના હજારો શિવ પરિવારના ભક્તોએ શોભાયાત્રા દરમિયાન ૐ નમઃ શિવાયનો પ્રચંડ નાદ કરી વાતાવરણ શિવમય બનાવી દીધું હતું. પૂ. રમા બા અને પરભુદાદાનું પુષ્પવૃષ્ટિ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શિવ પરિવાર દ્વારા પરમોરી ગામમાં સફાઈ અભિયાન પણ કરવામાં આવ્યું હતું.
તપોનિધિ આનંદ અખાડા પંચાયતીના સચિવ તથા અખિલ ભારતીય અખાડા પરિષદ ત્ર્યંબકેશ્વર નાસિકના કોષાધ્યક્ષ પૂ. મહંત શંકરાનંદ સરસ્વતી મહારાજ દ્વારા ધર્માચાર્ય પૂ. પરભુદાદાનું તામ્રપત્ર ઉપર નામકરણ કરી યજ્ઞાનંદની મહારાજ તેમજ રમાબાનું નામકરણ કરી માં રમાદેવી નામ આપ્યું હતું.
આ અવસરે જન્મ દિવસની શુભકામનાઓ પાઠવતાં કથાકાર પ્રફુલભાઇ શુક્લએ જણાવ્યું હતું કે, પરભુદાદા સામાન્ય વ્યક્તિ નથી પણ એક અવતાર છે. આપણે દાદાનો ૧૦૦ મો જન્મ દિવસ ઉજવીએ અને તેમના આશીર્વાદ મેળવીએ તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરભુદાદાએ વિશ્વમાં સનાતન ધર્મની ધજા લેહરાવી છે. પરભુદાદા સંત તુકારામ જેવું કામ કરી રહ્યા છે. ૮૪ વર્ષની ઉંમરે પણ તેઓ પ્રજા કલ્યાણ ધર્મ કલ્યાણ માટે સતત કાર્યરત રહે છે. આપણો દેશ આજે વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ રહ્યો છે, જે પરભુદાદા જેવા સંતોના આશીર્વાદને આભારી છે.
આ અવસરે ધર્માચાર્ય પરભુદાદાએ આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, આપના કર્મનું ફળ ભોગવવું જ પડે છે. સારાં કર્મો કરો તો સારું અને ખરાબ કરો તો ખરાબ ફળ મળે છે. માતા પિતાની સેવા કરો તો ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે, સંત અને બ્રાહ્મણોનું સન્માન કરવાથી સંતોના આશીર્વાદ મળે છે.
આચાર્ય અનિલભાઈ જોશી, ભાસ્કર ભાઇ દવે અને કશ્યપ ભાઇ જાનીએ મંત્ર ઉચ્ચાર કરી પરભુદાદાને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
તપોનિધિ આનંદ અખાડા પંચાયતીના સચિવ તથા અખિલ ભારતીય અખાડા પરિષદ ત્ર્યંબકેશ્વર નાસિકના કોષાધ્યક્ષ પૂ. મહંત શંકરાનંદ સરસ્વતી મહારાજ, તપોનિધિ આનંદ અખાડા પંચાયતી, ત્ર્યંબકેશ્વર-નાશિકના શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર ગણેશાનંદ સરસ્વતીજી સહિત વેદશાસ્ત્ર સંપન્ન હેમંતશાસ્ત્રી જોષી, રામશાસ્ત્રી મુળે, રાહુલશાસ્ત્રી જોષી, કાંતાશાસ્ત્રી જોષી, શિવપુરીમહારાજ પૈઠન, યોગેશ ગુરુજી દેવ, વિકાસ મહારાજ ઘોડે, સૌ કલ્પના રામચંદ્ર મુળે, સૌ વિદ્યા હેમંત જોષી વગેરેએ પૂ. પરભુદાદાના દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરી જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
ગુજરાત શિવ પરિવારના પ્રમુખ બિપીનભાઈ પરમારે ધર્માચાર્ય પરભુદાદાને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આગામી સમયમાં યોજાનારા કાર્યક્રમોની રૂપરેખા આપી ગુરુપૂર્ણિમા, શ્રાવણ માસ ઉજવણી તેમજ સપ્ટેમ્બરમાં કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં કરવામાં આવનાર યજ્ઞમાં ઉપસ્થિત રહેવા સૌને આમંત્રણ પાઠવ્યું હતું.
મહારાષ્ટ્ર શિવ પરિવાર પ્રમુખ આર. કે. ખાંદવેએ દાદાના જન્મ દિવસની ઉજવણીમાં સહયોગી સૌનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, શ્રદ્ધાથી આવે તેની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. આજના જન્મ દિવસની ઉજવણીમાં અનેક સંતો મહંતો ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા છે, જે આપણું અહોભાગ્ય છે.
શિવ પરિવાર મહિલા પ્રમુખ સીતાબેન પટેલ અને મામા વિનોદભાઇએ સ્વલિખિત ભજનના સ્વરૂપમાં પરભુદાદાએ જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
જન્મ દિવસ ઉજવણીમાં કાર્યક્રમ પ્રમુખ શ્રીધર કમુનકર, ઉપપ્રમુખ સંતોષ ખાંદવે, મહારાષ્ટ્ર શિવપરિવાર ઉપપ્રમુખ કેશવ સૂર્યવંશી, મહામંત્રી વામનરાવ ઠાકરે ગુરુજી, યુવા પ્રમુખ પાંડુરંગ માતેરે, ડીંડોરી પ્રદેશ ના આગેવાન માધવરાવ સાલુંકે, છત્રે ગુરુજી, ગુજરાત શિવ પરિવારના અપ્પુભાઇ પટેલ, હેમંતભાઇ પટેલ, અમીતભાઇ પટેલ, મયંકભાઇ બ્રહ્મભટ્ટ, અજયભાઇ પટેલ, નાનુભાઇ પટેલ, કૃપાશંકર યાદવ, વિનોદભાઇ પટેલ, પ્રવિણભાઇ પટેલ, સહિત ગુજરાત-મહારાષ્ટ્ર શિવ પરિવારે ઉપસ્થિત રહે પૂ. પરભુદાદાને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.










