તા.૪/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
૧૮ પારંપરિક કલાના સંરક્ષણ માટેની કેન્દ્ર સરકારની યોજનાનો લાભ લેવા કલેક્ટરશ્રીનો અનુરોધ
દેશભરની પારંપરિક કલાના સંરક્ષણ માટેની “પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના” અંગે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં શ્રી કે.વી.મોરીએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આ યોજના અંગેની તમામ વિગતો રજુ કરી હતી. ૧૮ પ્રકારના પારંપરિક કલાના કલાકારોને માત્ર ચાર ટકાના વ્યાજ દરે રૂ. એક લાખની લોન મળવાપાત્ર છે તથા સરકાર દ્વારા ૧૫ દિવસથી લઈને એક મહિના સુધીની તાલીમ આપવામાં આવે છે, જે માટે પ્રતિદિન રૂ. ૫૦૦ લેખે સ્ટાઈપેન્ડ પણ ચુકવવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવનારને રૂ. ૧૫ હજારની સરકાર દ્વારા વિના મૂલ્યે ટૂલ કીટ આપવામાં આવશે.
આગામી તા. ૧૭ સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં રાજકોટ ખાતેથી કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવીયા સામેલ થશે. આ યોજનાનો મહત્તમ લાભ લેવા માટે બેઠકમાં ઉપસ્થિત વિવિધ સમાજના આગેવાનોને કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી, નગરપાલિકાઓના પ્રાદેશિક નિયામકશ્રી ધીમંત વ્યાસ, અધિક કલેક્ટરશ્રી ઇલાબેન ચૌહાણ તથા ધોબી, દરજી, લુહાર, સુથાર, મોચી, સોની, કડિયા, વાણંદ વગેરે જેવી કારીગર કોમના આગેવાનો તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા








