
તા.૧૩ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ઓસમ પર્વત ખાતે આયોજિત તૃતીય આરોહણ અવરોહણ સ્પર્ધામાં નવાગામનાં વતની એવા ચૌહાણ યશના મુન્નાભાઈ પ્રથમ ક્રમાંકે વિજેતા બન્યા હતાં. સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી કહેવતને ખરા અર્થમાં સાર્થક કરી ગત બે વર્ષનો ૧૪ મિનિટ ૪ સેકન્ડનો રેકોર્ડ બ્રેક કરી માત્ર ૧૩ મિનિટ ૪૧ સેકન્ડમાં ઓસમ સર કર્યો હતો. આ તકે યશનાએ જણાવ્યું હતું કે, તે આર.એલ. મકવાણા વિદ્યાલય, વાંગધ્રા ખાતે અભ્યાસ કરે છે, આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તેની શાળાના વ્યાયામ શિક્ષકે પ્રેરિત કરી સખત મહેનત કરાવી હતી. રમતગમત ક્ષેત્રે નિપુણ યશના ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં પણ ભાગ લઈ ચૂક્યા છે.

તેમના શિક્ષક દ્વારા મળતા પ્રોત્સાહનથી તેઓ અગાઉ આરોહણ અવરોહણ જેવી સ્પર્ધામાં ભાગ લીધો ન હોવા છતાં પ્રથમ પ્રયાસે જ પ્રથમ નંબર મેળવ્યો હતો. આગામી ફેબ્રુઆરીમાં ગિરનાર ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધામાં સીધા જ પ્રવેશ મેળવી કૌવત બતાવશે. રાજ્યભરમાં યુવાઓમાં સાહસિકતા વિકસાવવા તથા પ્રોત્સાહન આપવાના ભાગરૂપે રાજ્યભરમાં જુદાં જુદાં પર્વતો ઉપર આરોહણ અવરોહણ સ્પર્ધાઓના આયોજન કરવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.









