GUJARATJETPURRAJKOT

Rajkot: રાજ્યભરમાં સૌપ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે

તા.૭/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

૧૨ ડિસેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા સૂચના

Rajkot: યોગાભ્યાસ થકી ગુજરાતના નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે રાજ્યમાં સૌપ્રથમ વખત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાશે. આ મહાભિયાન ૧ જાન્યુઆરી-૨૦૨૪ સુધી ચાલશે. ગ્રામ્ય, શાળા અને વોર્ડ તથા રાજ્યકક્ષા સુધી યોજાનારી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે નાગરિકોએ ૧૨ ડિસેમ્બર ૨૦૨૩ સુધી https://snc.gsyb.in/ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાશે. ૩૧મી ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન થશે.

સ્પર્ધામાં ૦૯ થી ૧૮ વર્ષ, ૧૯ થી ૪૦ વર્ષ અને ૪૧ વર્ષથી ઉપરની વય એમ ત્રણ કેટેગરીમાં નાગરિકો ભાગ લઇ શકશે. સમગ્ર રાજ્યમાં ૨૦ હજારથી વધુ સ્થળોએ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન થશે, જેમાં અંદાજે રૂ. બે કરોડથી વધુ રકમના ઇનામો યોગ સ્પર્ધકોને આપવામાં આવશે. તા.૧૫ ડિસેમ્બરના રોજ ગ્રામ્યકક્ષા, નગરપાલિકા અને મહાનગરપાલિકા વોર્ડકક્ષાની સ્પર્ધા યોજાશે. અને તા.૧૯ ડિસેમ્બરના રોજ તાલુકા તથા ઝોનકક્ષા સ્પર્ધા, તા.૨૪ ડિસેમ્બરના રોજ જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષાએ સ્પર્ધા અને અંતમાં તા.૨૯ ડિસેમ્બરના રોજ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ગ્રામ્ય /શાળા/વોર્ડ કક્ષાએ કેટેગરી વાઇઝ વિજેતાઓને રૂ. ૧૦૧ રોકડ પુરસ્કાર અપાશે. જ્યારે તાલુકા / નગરપાલિકા / ઝોન કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધકોને વય જુથ મુજબ એક ભાઇ અને એક બહેનને રૂ. ૧૦૦૦નું રોકડ ઇનામ અપાશે. જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા થયેલા પ્રથમ ભાઇ અને પ્રથમ બહેનને રૂા. ૨૧,૦૦૦/- દ્રિતિય ભાઇ અને બહેનને રૂા. ૧૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. ૧૧,૦૦૦ રોકડ પુરસ્કાર આપવામાં આવશે. રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતા ભાઇ અને બહેનને રૂા. ૨,૫૦,૦૦૦/- , દ્રિતીય ભાઇ અને બહેનને રૂા. ૧,૭૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. ૧,૦૦,૦૦૦/- રોકડ પુરષ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત તમામ સ્પર્ધકોને ડીજીટલ સર્ટીફીકેટ પણ આપવામાં આવશે. અને રાજ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકોનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે.

સ્પર્ધા પૂર્ણ થયા બાદ તા.૧ જાન્યુઆરી ૨૦૨૪ના દિવસે મોઢેરા સૂર્ય મંદિર, મહેસાણા ખાતે ભગવાન સૂર્ય નારાયણની હાજરીમાં નવા વર્ષના પ્રથમ સૂર્યની કિરણ સાથે સૂર્ય નમસ્કાર દ્વારા સૂર્ય દેવતાની આરાધના કરતા સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. અને રાજ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકોનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે. તે જ દિવસે સમગ્ર રાજ્યમાં જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકા કક્ષાએ એમ મળીને કુલ ૧૯૦ જેટલા સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ આ સ્પર્ધાની વધુ વિગત YOUTH ACTIVITY – GUJARAT અને https://chat.whatsapp.com/FlCkiIdhs7049dnYP1Gc7B પરથી મેળવી શકાશે.

[wptube id="1252022"]
Back to top button