
સુરતના ચોકબજાર વિસ્તારમાં માસૂમ પાંચ વર્ષની બાળકીના શંકાસ્પદ રેપ વિથ મર્ડર કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. શંકાસ્પદ આ કેસમાં માતાએ જ પોતાની દિવ્યાંગ બાળકીની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. માનસિક રીતે અસ્વસ્થ માતાએ પોતાની દિવ્યાંગ બાળકીને ઘરના ઓટલા પર પટકી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
દિવ્યાંગ બાળકી ચાલવામાં અશક્ત હોવાથી તેણીને ડાયપર્સ પહેરાવવામાં આવતું હતું. જેના કારણે તેના ગુપ્તાંગના ભાગે ઇજા જેવા નિશાન અને ફંગલ ઇન્ફેકશન થઈ ગયું હતું. જેને લઈ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા બાળકી જોડે દુષ્કૃત્ય બન્યું હોવાની શંકા તબીબોના અભિપ્રાયના આધારે પોલીસે વ્યક્ત કરી હતી. પરંતુ માતાની આકરી ઢબે પુછપરછ કરતા તેણે બાળકીને પછાડી મોતને ઘાટ ઉતારી હોવાની કબૂલાત કરી હતી. જ્યાં બાળકી જોડે દુષ્કર્મની ઘટના બની હોવાની વાત પોલીસે નકારી છે. જ્યારે તબીબોએ દુષ્કર્મની શકયતા પુરેપુરી વ્યક્ત કરી છે.