BARDOLISURAT

બારડોલી સંમેલનમાં ક્ષત્રિય આગેવાનોનો હુંકાર ‘બેન-દીકરીની ઈજ્જત ઉછાળી, નાક કાપનારનું નાક સલામત નહીં રહે..’

સુરત જિલ્લાના બારડોલી ખાતે આયોજીત ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં સંબોધન કરતાં રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે, અમે તમને જીતવા દેવાના નથી, અમારી બેન દીકરીની ઈજ્જત ઉછાળી છે, તમે સમજી લેજો અમે નાક કાપવાવાળાનું નાક સલામત રહેવા દેવાના નથી. તમામ ક્ષત્રિયો સવારે સાત વાગ્યેથી મતદાન મથક ઉપર લાઈન લગાવી ભાજપ વિરૂધ્ધ મતદાન કરવા હાંકલ કરી હતી.

બારડોલી કેદારેશ્વર મહાદેવ મંદિરના પાર્ટી પ્લોટમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં દક્ષિણ ગુજરાતના ભરૂચથી વાપી સુધીના ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. કેસરી સાફામાં સજ્જ ભાઈઓ અને કેસરી સાડી પહેરીને આવેલી મહિલાઓથી આખું મેદાન કેસરિયા રંગે રંગાઈ ગયું હતુ.

સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ સરદારની કર્મભૂમિ બારડોલીને વંદન કરતા જણાવ્યું કે, આ આંદોલનનો નેતા સનાતન ધર્મનો કેસરિયો ધ્વજ છે. તેમણે ભાજપના નેતાઓના નામ લીધા વગર કહ્યું કે, તમે સાંભળી લેજો અમે તમને જીતવા દેવાના નથી. રાજકોટના એક નેતાની રેલીમાં કાગડા ઉડતા આવતા તો ગરમીનું કારણ આપવામાં આવ્યું, તો શું બારડોલીમાં ગરમી નહીં હોય. અહીં ૪૦ ડિગ્રી તાપમાનમાં ક્ષત્રિય સમાજ ઉમટી પડ્યો છે. એટલે રાજકારણનું તાપમાન ૮૦ ડિગ્રી પર પહોંચી ગયું છે.

રૂપાલાને પસાભાઈ તરીકે સંબોધ્યા અને આભાર માન્યો કે, પસાભાઈના નિવેદનના કારણે આજે  અમારો સમાજ એક થઈ શક્યો છે. તમે અમારી પાઘડી ઉછાળી છે, અમારી બેન દીકરીની ઈજ્જત ઉછાળી છે, અમે નાક કાપવાવાળાનું નામ હવે સલામત રહેવા દેવાના નથી. ક્ષત્રિય રાજપૂત સમાજને અપીલ કરતાં જણાવ્યું કે, અત્યારે તલવાર, ભાલા કે બરછી કાઢવાનો સમય નથી. પરંતુ, મત એ જ એક શસ્ત્ર છે. તેનો જ ઉપયોગ કરીને લડાઈ લડવાની છે.

ક્ષત્રિય રાજપૂતોના આંદોલનને કારણે ૨૫ માંથી ૧૦ બેઠક ભાજપે ગુમાવી પડશે. એવો વિશ્વાસ વ્યક્ત કરી ક્ષત્રિયોને સવારે ૭-૦૦ વાગ્યાથી મતદાન મથક પર જઈ મતદાન કરવા હાંકલ કરી હતી. પુરૂષોત્તમ રૂપાલા હારશે. રાજકોટમાં ક્ષત્રિય બુથ કમિટીની રચના કરવામાં આવી છે. ક્ષત્રિય કાર્યાલયો પણ ખોલીને ભાજપ મતદાન મથક ઉપર જે બટન દબાવવાની પ્રવૃત્તિ કરે છે. તે ચાલ અમને ખબર છે. તેના પર ચાંપતી નજર રાખીશું. સમાજ એ માં છે અને પક્ષ એ માસી છે. માસી માટે માં ને લાત ન મારતા.

સરદાર વલ્લભભાઈને સલામ કરીને સંબોધન કરતા મહિલા પાંખના તૃપ્તિબા રાઓલે જણાવ્યું કે, લોકશાહીના અધઃપતન માટેની આ લડાઈ છે. આ જ્ઞાતિવાદની લડાઈ નથી, પરંતુ જ્ઞાતિ ગૌરવની વાત છે. ઉજળા ઈતિહાસને જ્યારે લાંછન લાગે ત્યારે લડી લેવાની વાત છે. ભલે તમારી પાસે લડવાની તાકાત ન હોય. પરંતુ, મત એક તમારી સૌથી મોટી તાકાત છે. એક નેતા દ્વારા ધમકી આપવામાં આવી કે, ખપી જશો. ત્યારે જાહેર મંચ પરથી જણાવું છું કે, હું ખપી જ ગઈ છું. મતદાન કરવા સમયે તમારી દીકરીનું મોઢું જોઈને મતદાન કરશો.

મહાસંમેલનમાં ઉપસ્થિત દશરથ બા પરમારે જણાવ્યું કે, તેઓએ ૨૬ વીઘા ખેતરમાં કમળનું વાવેતર કર્યું હતું. પરંતુ ખેતરની ફરતે વિવેકની વાડ કરી ન હતી. એટલે કમળના ફૂલનું નિકંદન નીકળી ગયું છે. તલવાર એ હથિયાર નથી. પરંતુ, મતબેંક આપણું હથિયાર છે. તલવાર મ્યાન કરી દેવાની છે, અને મતથી લડવાનું છે. ક્ષત્રિયોની એકતાના કારણે ભાજપે ૧૦×૧૫ ના રૂમમાં મીટીંગ કરવાના વારો આવ્યો છે. ક્ષત્રિય આગેવાન રમજુભાઈ જાડેજાએ પણ મત એ જ શસ્ત્ર છે. તેનો ઉપયોગ કરીને ભારતની લોકશાહી બચાવવાની અપીલ કરી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button