તા.૨૯/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલના ન્યુરોલોજી વિભાગ દ્વારા એક અતિ જટીલ અને અત્યંત મુશ્કેલ એવી Awake Craniotomy (Awake brain surgery) કે જેમાં દર્દીને સજાગ અવસ્થામાં રાખીને જ દર્દીના મગજ પર શસ્ત્રક્રીયા કરવામાં આવે છે, તે સફળતાપૂર્વક કરાઈ હતી.
પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે ઓ.પી.ડી.માં આવેલા દર્દીને જમણી બાજુના મગજમાં હાથ-પગ ચલાવવાનાં કેન્દ્ર ઉપર મોટી ગાંઠ થયેલી હતી. જેનું ઓપરેશન કરતા હાથ-પગનો લકવો થવાની પૂરેપૂરી શક્યતા જણાતા ડોક્ટરોએ સામાન્ય સર્જરી નહીં પરંતુ અવેક બ્રેઈન સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. દર્દી સાથે વાતો કરતા-કરતા તેના મગજમાંથી ગાંઠ કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ દર્દીની રિકવરી ખૂબ જ સારી છે અને તેના હાથ કે પગમાં લકવાની કોઈ જ અસર નથી. દર્દીનાં ઓપરેશન બાદ તેમને રજા આપવામાં આવી છે અને દર્દીને કોઈ જ તકલીફ નથી. સર્જરી કોઈ પણ ચાર્જ વગર સફળતાપૂર્વક થઈ જતા દર્દી અને તેના સ્નેહીજનોએ હોસ્પિટલના સ્ટાફનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે પી.ડી.યુ. હોસ્પિટલનાં તબીબી અધિક્ષકશ્રી ડો. આર.એસ. ત્રિવેદી, ન્યુરોસર્જરી વિભાગના વડાશ્રી અંકુર પાંચાણી, ડો. મિલન સેંજલીયા, ડો.ભાર્ગવ ત્રિવેદી દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવા માટે હંમેશાં પ્રત્યનશીલ રહે છે.