પિતાના પ્રૌઢ મિત્રએ માનસિક અસ્વસ્થ યુવતી સાથે વારંવાર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી

રાંદેર રોડ તાડવાડી વિસ્તારના મેરૂલક્ષ્મી મંદિર વિસ્તારમાં રહેતા પરિવારની 23 વર્ષીય માનસિક અસ્વસ્થ પુત્રી ને ત્રણ દિવસ અગાઉ અચાનક પેટમાં દુઃખાવો થતા સારવાર માટે ચોકબજાર સ્થિત ખ્વાજા ગરીબ નવાઝ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. જયાં તબીબોએ યુવતીની સોનોગ્રાફી કરતા 6 મહિનાનો ગર્ભ હોવાનું કહેતા માતા-પિતા ચોંકી ગયા હતા. માનસિક અસ્વસ્થ ઝંખના માતા-પિતા વગર કયાંય જતી ન હોવાથી તેણીને કઇ રીતે ગર્ભ રહ્યો તે અંગે મુંઝવણમાં મુકાયેલા માતા-પિતા યુવતીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.
જયાં પણ તબીબોએ 6 મહિનાનો ગર્ભ હોવાનું જણાવી સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જે અંતર્ગત પરિવારે યુવતીની પૃચ્છા કરતા તેણીએ જણાવ્યું હતું કે ફેબ્રીકેશનનું કામ કરતા પપ્પાના મિત્ર નવીન દામજી ડાવરા (ઉ.વ. 56 રહે. આભુષણ રેસીડન્સી, કેનાલ રોડ, પાલનપુર) નાસ્તો લઇ આપણા ઘરે આવતા હતા તે દરમિયાન એકાદ વર્ષ અગાઉ હું ઘરે એકલી હતી ત્યારે મારા બંને હાથ પકડી બાહોમાં લઇ છાતી અને ગુપ્તાંગના ભાગે હાથ ફેરવ્યો હતો. જેનો પ્રતિકાર કરતા કોઇને કહેશે તો જીવતી નહીં છોડીશ તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ મારી એકલતાનો લાભ લઇ બપોરના અરસામાં રૂમમાં ઘુસી આવી જબરજસ્તી શરીર સંબંધ બાંધી ધણકી આપી હતી કે મમ્મી-પપ્પાને કહેશે તો તમને બધાને જીવતા નહીં છોડીશ.
આ રીતે ચારથી પાંચ વખત ઘરે આવી દુષ્કર્મ કરવા ઉપરાંત જમવાનું લેવા જવાનું છે એમ કહી અડાજણના પ્રાઇમ આર્કેડની પાછલ ગાર્ડનમાં અંધારામાં લઇ જઇ ત્યાં પણ બે વખત દુષ્કર્મ કર્યાની કબૂલાત કરી હતી. યુવતીની કબૂલાતને પગલે ચોંકી ગયેલા માતા-પિતાએ ગત રોજ રાંદેર પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે પુત્રી સમાન યુવતીને હવસનો શિકાર બનાવનાર એક પુત્ર અને એક પુત્રીના પિતા એવા હવસખોર નરાધમ નવીન ડાવરાની ધરપકડ કરી છે.










