ગુજરાત માં 4 વર્ષની બાળકી પર હવસખોરે દુષ્કર્મ આચર્યું, બાળકીનાં જીવન-મરણ વચ્ચે ઝોલાં

સુરત સિવિલ હોસ્પિટલમાં અંદાજે 2 વાગ્યા આસપાસ એક લોહીલુહાણ હાલતમાં બાળકી 108માં સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરે પહોંચી. બાળકીને જોઈને તબીબોનું હૃદય પણ દ્રવી ઊઠ્યું ને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં દાખલ કરી દીધી. ત્યાર બાદ જ જાણ થઈ કે બાળકી તો અજાણ્યા નરાધમની હેવાનિયતનો ભોગ બની છે. હાલ બાળકી જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. બાળકીએ કણસતી હાલતમાં પિતા પાસે પીવાનું પાણી માગ્યું હતું. હાલ તો પરિવારને એક ચિંતા કોરી ખાઈ છે કે દીકરી બચશે કે નહીં.
ઇચ્છાપોર વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડિંગમાં મજૂરીકામ માટે મધ્યપ્રદેશનો પરિવાર આવ્યો છે અને ત્યાં જ રહી મજૂરી કામ કરે છે. તેમની 4 વર્ષની દીકરી રાત્રે અજાણ્યા નરાધમની હેવાનિયતનો શિકાર બની ગઈ. પિતાએ ઊઠીને જોતાં દીકરી લોહીલુહાણ હાલતમાં હતી. દીકરીની આવી હાલત જોઈ પિતાની ચીસ નીકળી ગઈ હતી. હાંફળાફાંફળા થઈ ગયેલા પિતાએ સૌથી પહેલા 108ને જાણ કરી બોલાવી હતી. ગણતરીની મિનિટોમાં 108એ બાળકીને સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે પહોંચાડી હતી.
2 વાગ્યા આસપાસ બાળકી સિવિલના ટ્રોમા ખાતે પહોંચી હતી. હાજર તબીબો પણ બાળકીને લોહીલુહાણ હાલતમાં જોઈ ચોંકી ગયા હતા. ટ્રોમા સેન્ટરમાં હાજર સૌ સ્ટાફ પણ દોડી આવ્યો હતો. બાળકીની હાલત જોઈ તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં દાખલ કરી હતી. પિતા પણ મજૂર હોવાથી કંઈ જાણતા ન હતા, જેથી તબીબોએ ગંભીરતા દાખવી હતી. પિતા તો હોસ્પિટલમાં કંઈ ન કરી શકવાની હાલતમાં આમથી તેમ દોડી રહ્યા હતા. તેને તબીબોએ હૈયાધારણા આપી હતી. પિતા સતત બાળકી સાથે જ રહેતા હતા. પોલીસને જાણ કરતાં પીઆઇ સહિતનો કાફલો સિવિલ દોડી આવ્યો હતો.
ડોક્ટરના જણાવ્યા પ્રમાણે બાળકીના પ્રાઇવેટ પાર્ટ અને મોઢાના ભાગે ખૂબ જ ગંભીર ઇજા છે. બાળકીને ઓપરેશન થિયેટરમાં સર્જરી કરી ICUમાં દાખલ કરાઈ છે. જોકે હાલ બાળકી બેભાન છે. પોલીસે આરોપી અજય રાય (ઉં.વ.21)ની ધરપકડ કરી લીધી છે. આરોપી બાળકીના ઘરની નજીક જ રહેતો હતો. અવારનવાર બાળકી અને તેના પરિવારને મળતો હતો. બાળકી આરોપીને ઓળખતી હતી.