કાલોલ ખાતે શ્રી દશા મોઢ વણિક જ્ઞાતિ નો સ્નેહ મિલન તથા ઈનામ વિતરણ સમારોહ યોજાયો.
તારીખ ૨૦/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી કાલોલ દશા મોઢ વૈષ્ણવ સમાજ દ્વારા રામનવમીની ઉજાણી નિમિત્તે જ્ઞાતિજનોનો સ્નેહ મિલન સમારોહ તથા જ્ઞાતિના જ ધોરણ ૧ થી ૧૨ અને તેથી વધુના ભણતરમાં ઊંચા પરિણામો લાવી ઉત્તીર્ણ થનાર તેજસ્વી તારલાઓ માટેનો ઈનામ વિતરણ સમારોહ તાજેતરમાં શ્રી દશા મોઢ વણિક જ્ઞાતિ પંચની વાડીમાં યોજવામાં આવ્યો હતો.રામનવમીની ઉજાણી નિમિત્તે આયોજિત ઈનામ વિતરણ સામારોહ અને મહાપ્રસાદના મુખ્યદાતા તરીકે રમેશચંદ્ર શાંતિલાલ શાહ સુરતવાળાએ સેવાઓ આપી હતી.આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે ભરતકુમાર ચીમનલાલ શેઠ,ભૂપેશકુમાર શરદચંદ્ર શાહ,ગોપાલભાઈ નવનીતલાલ શેઠ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સતીષકુમાર પી. શાહ, સાથે દાતા પરિવારના મોભીઓ અને જ્ઞાતિ પ્રમુખ નરેશભાઇ વાડીલાલ શાહે ઉપસ્થિત રહી મંચ શોભાવ્યું હતું.સામાજિક જીવનનું મહત્વ-તેની જરૂરિયાતો સાથે પોતાના વિદ્યાર્થી કાળના સ્મરણો વાગોળતા મંચસ્થ મહાનુભાવોના પ્રાસંગિક વકતવ્યોની સાથે સાથે જ સો ઉપરાંત તેજસ્વી તારલાઓને ઇનામોથી નવાજી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.મંડળ દ્વારા પ્રતિવર્ષ શ્રી રામ પ્રાગટ્ય,જગદગુરુ શ્રીમદ્ આચાર્યજી મહાપ્રભુજી તેમજ શ્રી ગુંસાઈજી પ્રભુચરણના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી જ્ઞાતિજનોના સહયોગથી કરવામાં આવે છે ત્યારે આગામી વર્ષ ૨૦૨૭ સુધીના ત્રણેય મહોત્સવની ઉજવણીઓ માટેના દાતાઓના નામોની જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમ મધ્યે મંચસ્થ મહાનુભાવો સાથે વ્યસ્થાપક મંડળ દ્વારા ચાલુ વર્ષથી જ જ્ઞાતિના તમામ વિધાર્થીઓને રાહતદરે નોટબુક – ચોપડા આપવાનો પ્રસ્તાવ રજૂ થતાં આમંત્રિતો સાથે ઉપસ્થિત સૌ કોઈએ આ ખર્ચ માટે રોકડ દાનનો પ્રવાહ વહેવડાવ્યો હતો.









