
ગુજરાતમાં હાલ શિયાળાની શરુઆત થઈ ગઈ છે અને અનેક જગ્યાએ પારો નીચો ગયો છે, ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે, જેને લેઈને ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન વિભાગના અનુસાર, 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવળો વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહંતી જણાવ્યું હતું કે, તેઓએ કહ્યું કે સૌરાષ્ટ્ર, કચ્છ અને જામનગરમાં માવઠું પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનોના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
વાદળછાયા વાતાવરણ વચ્ચે કચ્છના ગ્રામ્ય વિસ્તારો અને દિવભૂમિ દ્વારાક જિલ્લાના ખંભાળિયા,કલ્યાણપુર સહિત ગ્રામ્ય વિસ્તારો આજે વહેલી સવારે વરસાદી ઝાપટા પડતા ખેડૂતો ચિંતમાં મુકાયા છે. આ સાથે નવસારી સહિત અનેક જિલ્લાઓમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે રવિ પાક, ઘઉં, ચણા, જીરૂં સહિતના પાકોને નુકસાન પહોંચે તેવી ખેડૂતોને ભીતિ છે.
ઉલ્લેખનીય છે કે,આજે કંડલામાં 14.4 ડિગ્રી, ડીસામાં 14.2 ડિગ્રી, ભુજ 14.5 ડિગ્રી, રાજકોટમાં 14.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15.2 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, કેશોદ 15.9 ડિગ્રી, અમરેલીમાં 16.0 ડિગ્રી, વડોદરામાં 16.2 ડિગ્રી, અમદાવાદમાં 16.7 ડિગ્રી, મહુવા 17.1 ડિગ્રી, પોરબંદર 17.3 ડિગ્રી અને ભાવનગર 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.