Rajkot: ચૂંટણીને આવકારવા રાજકોટ, જસદણ, વાંકાનેર તાલુકાઓની શાળાઓમાં છાત્રો દ્વારા પૂરાઈ રંગોળી

તા.૩/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
રંગોળી સાથે લોકશાહીના અવસરના વધામણા કરી નાગરિકોને મત આપવા “ઉમંગના રંગ” ભરી અપીલ
Rajkot: લોકશાહીનો અવસર એટલે કે લોકસભાની ચૂંટણીમાં “મતદાનનો અવસર” આવી પહોંચ્યો છે. ૭મીએ મેના રોજ ૧૦-રાજકોટ સંસદીય વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં સઘન મતદાન જાગૃતિ ઝુંબેશ ચાલી રહી છે.

જે અંતર્ગત આજરોજ વિવિધ વિસ્તારોમાં શાળાઓ, સંસ્થાઓ તેમજ જાહેર સ્થળોએ રંગોળીઓ કરીને લોકશાહીના અવસરના વધામણા સાથે નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઈ હતી. વડાળી, હડાળા તથા કાથરોટ ગામે શાળાઓમાં આજે રંગોળી રચીને લોકશાહીને અવસરનો ઉમંગ વ્યક્ત કરાયો હતો. આ ઉપરાંત ૬૭-વાંકાનેર વિધાનસભા મત વિસ્તાર તેમજ ૭૨-જસદણ વિધાનસભા મત વિસ્તારમાં શહેર તેમજ ગ્રામ્યમાં વિવિધ શાળાઓમાં રંગોળી કરવામાં આવી હતી.

આજની રંગોળી ઈવેન્ટમાં રાજકોટની ધોળકીયા સ્કૂલ, બાઈસાહેબ બા ગર્લ્સ હાઈસ્કૂલ, ગોંડલની એચ.ડી. ગાર્ડી સ્કૂલ તો વડાળી, ઢાંઢણી, હડાળા, હડમતીયા, લીલી સાજડીયાડી સહિતની વિવિધ પ્રાથમિક શાળાઓમાં છાત્ર-છાત્રાઓ ઉત્સાહપૂર્ણ રીતે જોડાયા હતા. ઉપરાંત જસદણ નગરમાં જાહેરમાં રંગોળી કરવામાં આવી હતી. આ રંગોળીઓના માધ્યમથી “મારો મત મારો અધિકાર” જેવા સંદેશા સાથે ૭મી મેના રોજ લોકસભા ચૂંટણીમાં અચૂક મતદાન માટે રંગભરી અપીલ કરવામાં આવી હતી.









