JETPURRAJKOT

ટેક્સટાઇલ મંત્રીશ્રી દર્શનાબેન જરદોશના માર્ગદર્શનમાં તમિલનાડુથી સન્માનરૂપે મળેલા ખેસમાંથી મૂલ્યવર્ધન કરીને સુંદર કલાત્મક કૃતિઓ રજૂ કરતા “અમી ચેરીટેબલ ટ્રસ્ટ”ના બહેનો

તા.૨૪ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

“સરકારશ્રીના ‘પહેચાન કાર્ડ’ થકી અમારી દરેક બહેનોને ખરા અર્થમાં પોતાની આગવી ‘પહેચાન’ મળી છે”- રૂપલબેન શાહ, સભ્યશ્રી – અમી ચેરીટેબલ ટ્રસ્ટ

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે રાજકોટમાં બે દિવસીય ” ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે ચિંતન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની સૌથી સમૃધ્ધ સંસ્કૃતિઓ અને ભારતની પરંપરાગત હાથબનાવટની સુંદર કૃતિઓનું પ્રદર્શન આ કાર્યક્રમ દરમ્યાન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત અને તમિલનાડુના હસ્તકલા કારીગરોએ ભાગ લીધો હતો. ભારતને ગ્લોબલ ટેક્સટાઇલ હબ બનાવવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પને ચરિતાર્થ કરવામાં ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગનું મહત્વનું યોગદાન રહ્યું છે ત્યારે કાપડના વેસ્ટમાંથી મૂલ્યવર્ધન કરીને અનેકવિધ સુંદર કલાત્મક ચીજ વસ્તુઓ સુરતનાં “અમી ચેરીટેબલ ટ્રસ્ટ”ના બહેનો બનાવી રહ્યા છે.

મહિલાઓને પગભર કરવા પરત્વેની સરકારની પ્રોત્સાહક નીતિ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ટેક્સટાઇલ મંત્રીશ્રી દર્શનાબેન જરદોશનો આભાર માની કૃતજ્ઞતા વ્યક્ત કરતા અમી ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યશ્રી રૂપલબેન શાહએ જણાવ્યું હતું કે, અમી ચેરીટેબલ ટ્રસ્ટ મહીલાઓને પગભર કરવાની સાથે સાથે મહિલાઓ, બાળકો માટે અનેકવિધ સામાજિક કાર્યો પણ કરી રહ્યું છે. ઔદ્યોગિક રાજય ગુજરાતમાં ઉદ્યોગોના વિકાસની સાથે સાથે મહિલાઓ પણ રોજગારી મેળવે, હસ્તકલા જીવંત રહે તે માટે સરકાર દ્વારા સમયાંતરે યોજાતા હસ્તકલા પ્રદર્શનમાં પણ અમારા બહેનો ભાગ લેતા હોય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ અમારા બહેનોની કલાને બિરદાવી છે.

સરકાર જયારે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ થકી સૌરાષ્ટ્ર અને તમિલનાડુના ઐતિહાસિક સંબંધોની ઉજવણી કરી રહી છે ત્યારે તમિલનાડુ ખાતે સૌરાષ્ટ્રીયન તમિલ બાંધવોને આમંત્રણ આપવા અર્થે ગયેલા ટેક્સટાઈલ મંત્રીશ્રી દર્શનાબેન જરદોશને સન્માનરૂપે ભેટમાં મળેલ ખેસ અમને આપવામાં આવ્યા હતા. સુરત હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગનું હબ છે. આ ખેસમાં જરદોશી, મોતી કામ જેવી હસ્તકલાની મદદથી મૂલ્યવર્ધન કરીને મોજડી, નેકલેસ, ટ્રે, જ્વેલરી બોક્સ, પેન સ્ટેન્ડ, કલાત્મક રંગોળી, પર્સ, વોલ પીસ સહિતની સુંદર કલાત્મક વસ્તુઓ અમારા ટ્રસ્ટ બહેનો દ્વારા બનાવવામાં આવી હતી.

ગુજરાત અને વિકાસ એકમેકના પર્યાય બની ગયા છે ત્યારે બહેનો પણ પોતાની કલાને બહાર લાવી તેમાંથી રોજગારી મેળવી શકે તે માટે અમારા ટ્રસ્ટ સાથે ૪૦૦ બહેનો જોડાયેલા છે, તમામ બહેનોને ટેક્સટાઈલ મંત્રાલય હેઠળ “પહેચાન કાર્ડ” આપવામાં આવ્યા છે. જેના થકી દરેક બહેન સરકારની યોજનાઓના સીધો લાભ પણ મેળવી શકે છે. સરકારના “પહેચાન કાર્ડ” થકી અમારી દરેક બહેનોને ખરા અર્થમાં પોતાની આગવી “પહેચાન” મળી છે. સરકારની યોજનાઓની મદદથી ક્લસ્ટર વાઈઝ ૨૫-૨૫ બહેનોના ગ્રુપ બનાવી સમયાંતરે બહેનોને ટ્રેનિંગ આપવામાં આવે છે. જેથી બહેનો ઘર સંભાળવાની સાથે સાથે ઘરેબેઠાં પણ કામ કરી રોજગારી મેળવી શકે છે.

ભારતની લુપ્ત થતી સમૃધ્ધ હસ્તકલાને જીવંત રાખવા માટે પોતાની કલા એક પાસે ન રહેવા દઈને અન્ય વ્યક્તિઓને પણ શીખવવી જોઈએ. જેથી સાંસ્કૃતિક કલા વારસો જાળવી શકાય. એક બીજાના હકારાત્મક અભિગમથી જ દરેક વ્યક્તિ આગળ વધી શકે છે. “આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ગુજરાત”ની પરિકલ્પનાને સાર્થક કરવા દેશની નારી પણ “આત્મનિર્ભર નારી” બને તે આજના સમયની માંગ છે, આ માંગ પરીપૂર્ણ કરવા માટે “અમી ચેરીટેબલ ટ્રસ્ટ” અવિરત કાર્યરત છે.

[wptube id="1252022"]
Back to top button