
નિષ્ઠા વાવો, પ્રતિષ્ઠાને તો આવવું જ પડશે!
લેખક:વિજય દલસાણિયા દરેક માણસ પોતાના સ્વીકારેલ ક્ષેત્રમાં કાર્ય કરતો જ હોય છે.જ્યારે માણસ એ કાર્યને ભક્તિ સમજે છે ત્યારે તે કંઈક અલગ રીતે વ્યક્ત થતો હોય છે. તેમના કાર્યથી તેમને પરમાનંદની અનુભૂતિ થતી હોય છે. આ ભાવના જ તેમના પરિણામને વધુ ફળદાયી બનાવે છે. જેમ કે એક કૂંડામાં વાવેલ બે છોડ એક સરખી રીતે ઉગી શકતા નથી. એક જ ક્ષેત્રમાં, એક જ પરિસ્થિતિમાં કામ કરતી બે વ્યકિતઓની કામ કરવાની રીત અલગ હોય છે. આજ કારણ હોઈ શકે કે, એક માણસ જીવનભર કામ કરવા છતાં સફળ બનતો નથી. જ્યારે બીજામાં રહેલું એવું કંઈક તેમને માન સન્માની સાથે હમેશાં જીવંત રાખે છે.
દરેક માણસ પોતે સ્વીકારેલા કાર્યમાં પોતાની આગવી શૈલી, નાવીન્યપૂર્ણ કામગીરી, તેમને વફાદાર રહેવાની ભાવના તેમને અન્યથી અલગ પાડે છે. પોતાની કાર્યપ્રલાણીમાં એક વફાદારી, પ્રમાણિકતા, નીતિમતા,શ્રધ્ધા જેવા ગુણો તેમના અલગ વ્યક્તિત્ત્વને ઉભું કરે છે અને સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે ઉભરી આવે છે. આ સન્માન ક્યારેય નાશ પામતું નથી કારણ કે, તે તેમના કાર્ય થકી મળેલું હોય છે. આવા કાર્યના મૂળમાં જો કોઈ પ્રેરકબળ હોય તો તે છે:, અપાર નિષ્ઠા! આવી ભાવના જ્યારે સાચા અર્થમાં પ્રગટે ત્યારે વ્યક્તિ કાર્યને સમર્પિત બને છે.આ શક્તિ માણસની પ્રતિષ્ઠાને એવી રીતે લાવે છે કે સમગ્ર સમાજમાં તેમના પરત્વે માન અને સન્માનની લાગણી જન્માવે છે.
માણસના ભીતરથી વ્યકત થતી નિષ્ઠા એ જીવનપર્યંત ચાલતી પ્રક્રિયા છે. વરસો સુધી કાર્યને વળગી રહેવાની ભાવના વ્યક્તિને વધુને વધુ પ્રતિષ્ઠિત બનાવે છે. ચાલે છે, ચાલવા દો,આ તો થતું રહેવાનું, કશું જ પરિણામ મળવાનું નથી આવી નકારાત્મકતા ક્યારેય નિષ્ઠાને નિર્માણ ન કરી શકે.જયારે બીજી બાજુ એક વૈજ્ઞાનિક પોતના પ્રયોગમાં નવીનતા લાવવા, નવું સત્ય પ્રદાન કરવા માટે અપાર શ્રધ્ધાથી જોડાય છે. તે વર્ષો સુધી જાળવી રાખે ત્યારે નિર્માણ થયેલ નિષ્ઠા તેમને સફળતા સુધી લઈ જાય છે. એક શિક્ષક પોતાના વર્ગ કાર્યને એક ભક્તિ સમજીને જોડાય ત્યારે તેમાં નિર્માણ થયેલ અપાર નિષ્ઠા તેમને સફળતા સુધી લઈ જાય. એક ખેડૂત અપાર શ્રધ્ધા સાથે બીજનું વાવેતર કરે અને હજારો બીજનું નિર્માણ કરી શકે. કુંભાર અપાર નિષ્ઠાર્થી માટીના પીંડાને હાથ ફેરવે અને સરસ આકૃત્તિનું નિર્માણ થાય. પોતાના કાર્યને વળગી રહેવાની ભાવના,ઝંખના,આત્મીયતા જ આગળ જતાં તેમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. મન અને આત્મા જ્યારે કાર્ય સાથે જોડાય ત્યારે નિષ્ઠાનું નિર્માણ થતું હોય છે.
દરેક વ્યક્તિ સફળ થતી નથી કારણ કે સંઘર્ષમાં નિષ્ઠાનો કદાચ અભાવ હોઈ શકે, જ્યારે નિષ્ઠાવાન વ્યક્તિ આ જ સંઘર્ષને પાર કરીને પણ સફળ બને છે.ત્યાં પણ પ્રેરકબળ તો ભીતરમાં રહેલી નિષ્ઠા જ બને છે. સફળ માણસોના જીવનમાં ડોકિયું કરીએ તો ખબર પડે તેમના કાર્યને વળગી રહેવાની પ્રબળ ભાવનાએ જ તેમને સફળતા સુધી લઈ જવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.નિષ્ઠા થકી નિર્માણ થયેલ નીતિમતા, પ્રમાણિકતા, વફાદારી અને સમર્પણભાવના જેવા વ્યક્તિત્ત્વમાં નિર્માણ થયેલા ગુણોએ જ તેમના કાર્યને પરિણામદાયી સાથે પ્રેરણાદાયી બનાવ્યું હશે. તેમની પ્રતિષ્ઠામાં પણ વધારો કર્યો હશે. માણસના ભીતરમાં રહેલી નિષ્ઠા કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે. આ પ્રેરણા જ તેમને સફ્ળતા તરફ લઈ જાય છે. જે કાર્ય સાથે જોડાયેલા છીએ એ “કાર્યને કરી લેવું “અને “અપાર નિષ્ઠાથી કરવું” એ બંનેમાં તફાવત છે. નિષ્ઠાથી કરેલું કાર્ય જ માણસને પ્રતિષ્ઠાવાન બનાવે છે. કાર્યથી મળેલી સફળતા એ ક્યારેય નાશ પામતી નથી એ ચિરંજીવી હોય છે. સાચી ભાવના અને નિષ્ઠથી કરેલું કાર્ય વ્યક્તિને ચોક્ક્સ પ્રતિષ્ઠાવાન બનાવે છે. આજે વાવેલી નિષ્ઠા કાલે એવું વટવૃક્ષ બનીને ખીલવે કે તેમની ડાળીએ ડાળીએ પ્રસન્નતા છલકતી હશે.છેલ્લે નિષ્ઠા અને પ્રતિષ્ઠાએ પરસ્પર સંકળાયેલી બાબત છે. નિષ્ઠા હશે તો ચોક્ક્સ પ્રતિષ્ઠા સાથે આવવાની જ એટલે નિષ્ઠાવાન બનીએ! પ્રતિષ્ઠાને તો આવવું જ પડશે.