PGVCLએ પરીક્ષામાં ગેરરીતિ આચરી નોકરી પર લાગેલા 30 વિદ્યુત સહાયકોને ફરજમુક્ત કર્યા

પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિ.-PGVCLએ રાજકોટમાં મોટી કાર્યવાહી કરતા પરીક્ષામાં ગેરરીતિ આચરી નોકરી પર લાગેલા 30 વિદ્યુત સહાયકોને ફરજમુક્ત કરી દીધા છે.
રાજકોટમાં 2021માં સક્સેસ ઇન્ફોટેક નામની કંપની દ્વારા વિદ્યુત સહાયકની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં 400 પરીક્ષાર્થીઓ પાસ થયા હતા.પરીક્ષામાં ગોલમાલ થયાની ફરિયાદ જે તે સમયે સુરત ક્રાઈમ બ્રાન્ચ ખાતે કરવામાં આવી હતી.
સુરત પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્રના માલિક, કોમ્પ્યુટર લેબ ઇન્ચાર્જ, એજન્ટ સહિત 12 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ આરોપીઓ દ્વારા ઉમેદવારો પાસેથી 10થી 15 લાખ રૂપિયાનો વહીવટ કરવામાં આવ્યો હતો.
સુરત પોલીસે ગેરરીતિ આચરી પાસ થયેલા શંકાસ્પદ પરીક્ષાર્થીઓનું લીસ્ટ PGVCLને આપ્યું હતું. PGVCLએ તપાસ કરી આજે પરીક્ષામાં ગેરરીતિ આચરી નોકરી પર લાગેલા 30 વિદ્યુત સહાયકોને ફરજમુક્ત કરી દીધા છે અને તમામ કર્મચારીઓ સામે તહોમતનામુ દાખલ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
PGVCL દ્વારા ચોરવાડ, બાંટવા, લાલપુર, ધોરાજી, ભાયાવદર, જામજોધપુર, કુતિયાણા, દસાડા, બોટાદ, સામખીયારી, બરવાળા, રાણપુર, સુરેન્દ્રનગર, ગાંધીધામ, ભચાઉ, ભુજ સહિતની કચેરીમાં ફરજ બજાવનારા વિદ્યુત સહાયકોને ફરજમુક્ત કરવામાં આવ્યા છે.