
તા.૨૩ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સ્ટેમ્પ ડ્યૂટી વિભાગ દ્વારા webex મારફત યોજાયેલી રાજયકક્ષાની તાલીમમાં ધોરાજીની રી-સર્વે ટીમના તમામ સભ્યો જોડાયા
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના શહેરી વિસ્તારમાં તા.૨૬ જૂનથી ૧૦ જૂલાઇ સુધી “જંત્રી રીવીઝન સર્વે-૨૦૨૩”ની કામગીરીનો પ્રારંભ થશે. જયારે ધોરાજીના ગ્રામીણ વિસ્તારમાં “જંત્રી રીવીઝન સર્વે-૨૦૨૩”ની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થઇ છે.

જંત્રી રી-સર્વે અન્વયે શહેરી વિસ્તારમાં સર્વેની કામગીરી મોબાઇલ એપ્લીકેશનથી કરવાની હોય તે માટે webex મારફત રાજયકક્ષાની તાલીમનું આયોજન સ્ટેમ્પ ડ્યૂટી વિભાગ દ્વારા કરવામાં આવ્યુ હતું, જેમાં ધોરાજી મામલતદારશ્રી એમ.જી.જાડેજા, ચીફ ઓફિસરશ્રી જે.વી.મોઢવાડિયા તથા રી-સર્વે ટીમના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેનીય છે કે રાજ્ય સરકારની “જંત્રી રીવીઝન સર્વે-૨૦૨૩” ઝુંબેશ અન્વયે રાજકોટ જિલ્લામાં કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ મામલતદારશ્રીઓ દ્વારા નેશનલ તથા સ્ટેટ હાઈવે, નદી કિનારા, તાલુકા હેડ ક્વાર્ટર, પહાડી વિસ્તાર, ઉદ્યોગો/કોલેજ ધરાવતા ગામો વગેરેનાં ગામ-તાલુકા વાઈઝ ક્લસ્ટર બનાવી એક ટેક્નીકલ કર્મચારી અને સુપરવાઈઝર તરીકે નાયબ મામલતદાર/વિસ્તરણ અધિકારી મળી અંદાજિત ૩૦૦ કર્મચારીઓની કુલ ૯૫ ટીમો દ્વારા રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓનાં ૫૪૬ ગામોમાં જંત્રી રીવીઝનની કામગીરી તા. ૧૫ મે થી ૨૯ મે સુધીમાં પૂર્ણ કરાઇ છે. આ કામગીરીની ડેટા એન્ટ્રી પૂર્ણ થયા બાદ પ્રાંત અધિકારીશ્રી દ્વારા ચકાસણી કરી જિલ્લા કક્ષાએથી સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર અને કલેકટર કચેરી દ્વારા ચકાસણી કરવામાં આવશે, જે પૂર્ણ થયેથી રાજ્ય કક્ષાએ સરકારશ્રીને અહેવાલ મોકલાશે.








