
તા.૧૩ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા આયોજિત ભરતી મેળામાં રાજકોટ અને મહેસાણા જિલ્લાની નામાંકિત કંપનીમાં ૧૬ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.
શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર વિભાગ અને રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા આબાદ ડેરી પ્રા. લી., મહેસાણા સ્થિત અન્ય એક ખાનગી કંપની તથા શાર્પ સી.એન.સી. રાજકોટ માટે ગવર્નમેન્ટ આઈ.ટી.આઈ., આજી ડેમ પાસે, રાજકોટ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
બંને કંપનીઓમાં જુદી-જુદી જગ્યાઓ માટે યોજાયેલા આ રોજગાર ભરતી મેળામાં સૌરાષ્ટ્રની જુદી જુદી આઈ.ટી.આઈ માંથી ૩૫ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા. આ ભરતી મેળાની શરૂઆતમાં પ્રી-પ્લેસમેન્ટ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંને કંપનીઓ દ્વારા કંપની વિશે જરૂરી માહિતી, ટેકનિકલ મેનપાવરની જરૂરિયાત, કંપનીની કામગીરી, કંપનીનું સ્થળ, કંપની દ્વારા ઉત્પાદિત વસ્તુઓ, પગારધોરણ, કરવાની થતી કામગીરી, કંપની દ્વારા આપવામાં આવતી સવલતો સહીતની જાણકારી ઉમેદવારોને આપવામાં આવી હતી.
હાજર ઉમેદવારોનાં રજીસ્ટ્રેશન, ફોર્મ ફીલિંગ બાદ લેખિત પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોના મૌખિક ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. સ્ક્રીનીંગ પ્રક્રિયા પૂર્ણ બાદ જરૂરી લાયકાત ધરાવતાં આબાદ ડેરી પ્રા. લી., મહેસાણા સ્થિત કંપનીમાં ૦૬ ઉમેદવારો તથા શાર્પ સી.એન.સી. રાજકોટમાં ૧૦ ઉમેદવારો સહીત કુલ ૧૬ ઉમેદવારોની પસંદગી કરી કંપનીના પે રોલ પર સીધી ભરતી કરવામાં આવી હતી. આ તકે બંને કંપનીઓનાં અધિકારીઓએ સંસ્થાનાં વડાનો આભાર માન્યો હતો. કંપનીમાં પસંદગી પામેલ ઉમેદવારોએ કંપનીમાં આઠથી દસ દિવસમાં તાત્કાલિક ધોરણે જોઈનીંગ કરવાનું રહેશે તેમ આઈ.ટી.આઈ. રાજકોટનાં આચાર્યશ્રી નિપુણ રાવલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.