
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે મેયરની ચૂંટણી પૂર્ણ થઈ છે. મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલી ઓબેરોયનો વિજય થયો છે. ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો હતો. પરંતુ આ બાદ સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણીનો પેચ ફસાયો છે. ગૃહમાં ભાજપના અને આપ પાર્ટીના કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી થઈ છે. દિલ્હીના મેયર શૈલી ઓબેરોયે આરોપ લગાવ્યો છે કે ભાજપના કાઉન્સિલરોએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું કે સ્થાયી સમિતિના સભ્યોની ચૂંટણી દરમિયાન ભાજપના કાઉન્સિલરોએ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપની ગુંડાગીરી એવી છે કે તેઓ મહિલા મેયર પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અંગે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ ચોંકાવનારી ઘટના છે.
ગૃહમાં 5/5 કાઉન્સિલરોને બોલાવીને મતદાન કરાઈ રહ્યું હતું. 5 કાઉન્સિલરોને મતદાન માટે બોલાવતા જ ગૃહમાં હોબાળો મચ્યો હતો અને જે 5 કાઉન્સિલરને મતદાન માટે બેલેટ અપાયા, તેમણે બેલેટ પેપર પરત કર્યા ન હતા. મેયરે પણ બેલેટ પેપર પરત કરવાની માંગ કરી, પરંતુ નામ બોલવા છતાં કાઉન્સિલરો બેલેટ પેપર પરત કરી રહ્યા નથી. આ કારણોસર ભાજપના કોર્પોરેટરોની માંગણી સ્વીકારવા છતાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી અટવાઈ ગઈ છે. 250માંથી અત્યાર સુધી માત્ર 47 કાઉન્સિલરોએ પોતાનો મત આપ્યો છે.
ભાજપે આ મામલે ગોટાળાના આક્ષેપો પણ કર્યા છે. મોબાઈલ ફોન લઈને મતદાન કરાવાયાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે કોર્પોરેશન કમિશનર અને કોર્પોરેશન સેક્રેટરીને ફરિયાદ કરવામાં આવી છે. ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીને નિશાન બનાવવામાં આવી રહી છે. મહત્વની વાત એ છે કે મેયરે અનેક વખત કાઉન્સિલરોને મતપત્ર પરત કરવાની અપીલ કરી છે, પરંતુ હજુ સુધી કોઈએ જવાબ આપ્યો નથી.










