
તા.૨૪ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧.૦૪.૨૦૨૩ની લાયકાતની તારીખના સંદર્ભમાં “મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા” કાર્યક્રમ તા.૨૩ એપ્રિલ સુધી જાહે૨ કરવામાં આવ્યો હતો, જે અન્વયે રાજકોટના જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ તા.૧૬.૦૪.૨૦૨૩, રવિવાર તથા તા.૨૩.૦૪.૨૦૨૩, રવિવારના રોજ સવારે ૧૦ થી સાંજના ૫ વાગ્યા સુધી દરેક મતદાન બુથ ઉપર બુથ લેવલ ઓફિસરોની ઉપસ્થિતિમાં ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ઝુંબેશના છેલ્લા દિવસે રોલ ઓબ્ઝર્વરશ્રી એમ.એ.પંડ્યા, અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે.ખાચર, પ્રાંત અધિકારીશ્રી સંદીપકુમાર વર્માએ મતદાન બુથોની રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.
રાજકોટની આઠ વિધાનસભાની બેઠકો ઉપર અત્યાર સુધીમાં નવા મતદારોની નોંધણી માટે ફોર્મ નં. ૬ અન્વયે ૧૮ થી ૧૯ વયજૂથના ૩૯૪૦ નવા યુવા મતદારો, ૨૦ થી ૨૯ વયજૂથના ૩૯૭૯ નવા મતદારો સહીત કુલ ૧૦૧૩૯ નવા યુવા મતદારો નોંધાયા હતા. ચૂંટણી કાર્ડ સાથે આધાર લિંક કરાવવા માટે ફોર્મ નં. ૬-ખ અન્વયે ૯૫૯૭ મતદારો નોંધાયા હતા. મતદારયાદીમાં નામ કમી કરવા માટે ફોર્મ નં. ૭ અન્વયે ૩૩૪૫ અરજીઓ આવી હતી. ચૂંટણી કાર્ડમાં નામ, જન્મ તારીખ, ફોટો, સરનામું વિગેરે સુઘારા માટે / ડુપ્લીકેટ ચૂંટણી કાર્ડ માટે / સ્થાળાંતરના કિસ્સામાં / PwD ફલેટ કરવા માટે ફોર્મ નં. ૮ અન્વયે ૧૭૨૬૫ અરજીઓ આવી હતી. અત્રે ઉલેખનીય છે કે, હાલ રાજકોટ જિલ્લામાં ૨૨૫૩ મતદાન મથકો ઉપર કુલ ૨૨,૯૪,૮૧૫ મતદારો નોંધાયેલ છે. આ મતદારોમાં ૧૧,૯૧,૯૧૦ પુરૂષો, ૧૧,૦૨,૮૭૩ સ્ત્રીઓ તથા ૩૨ થર્ડ જેન્ડર નોંધાયેલા છે.
તા.૨૩.૦૪.૨૦૨૩ સુધીમાં રાજકોટની આઠ વિધાનસભાની બેઠકો ઉપર ચૂંટણીકાર્ડમાં નામ, ફોટા, જન્મતારીખ, સરનામું સુધારવાની સાથો સાથ ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવા સહિતની બાબતો માટે રાજકોટ ઈસ્ટમાં ૩૮૧૩, વેસ્ટમાં ૪૩૬૦, સાઉથમાં ૪૩૯૪, રાજકોટ ગ્રામ્યમાં ૭૪૭૧, જસદણમાં ૪૩૮૫, ગોંડલમાં ૪૧૩૧, જેતપુરમાં ૬૦૨૬ અને ધોરાજીમાં ૫૭૬૬ અરજી સહીત કુલ ૪૦,૩૪૬ અરજીઓ આવી હતી તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે.ખાચરની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
આ ઝુંબેશને સફળ બનાવવા બદલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ તમામ જાહેર જનતા તથા આ કામગીરી સાથે સંકળાયેલાં સર્વે બુથ લેવલ ઓફિસર તથા સ્ટાફગણને અભિનંદન પાઠવ્યા હતા.