
તા.૯ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા “આપદા મિત્ર” પ્રોજેક્ટ અન્વયે નવયુવાનોને આપત્તિ સમયે બચાવ, રાહત કામગીરી અંગે ખાસ તાલીમ આપવામાં આવે છે. જે અંતર્ગત ગુજરાત ડિઝાસ્ટર વિભાગ દ્વારા રાજ્યમાં ૧૭ જેટલા જિલ્લામાં આ પ્રોજેક્ટ હાલ કાર્યરત છે.

રાજકોટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા એસ.ડી.આર.એફ. ગ્રુપ – ૧૩, ઘંટેશ્વર કેમ્પસ ખાતે તા. ૦૬ -૦૨ થી તા. ૧૭-૦૨-૨૩ દરમ્યાન ૧૨ દિવસીય ટ્રેનિંગનો બીજા તબ્બકાની પાંચમી બેચનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બેચમાં ૪૩ જેટલા છાત્રોને હાલ આપત્તિ સમયે બચાવ કામગીરી, પ્રાથમિક સારવાર, અગ્નિશામક બચાવ, પૂર, ધરતીકંપ, વાવાઝોડા સહિતની કુદરતી આફતો સમય દરમ્યાન બચાવ કામગીરીની તાલીમ આપવામાં આવી રહી હોવાનું વિભાગના કોઓર્ડીનેટર શ્રી અમરિન ખાને જણાવ્યું છે.
“આપદા મિત્ર” ને અકસ્માત સંજોગો નિવારણ અથવા તેની તીવ્રતામાં ઘટાડા સહિતની તાલીમ પુરી પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ ૧૯૧ સ્વયંસેવકોને પ્રશિક્ષિત કરવામાં આવ્યાં છે. આવનારા સમયમાં ૫૦૦ જેટલા યુવકોને આ તાલીમ પુરી પાડવામાં આવશે.








