
તા.૧૯ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
મંત્રીશ્રી ભાનુબહેનના અધ્યક્ષસ્થાને રાજકોટના રેસકોર્સમાં યોગ કાર્યક્રમ યોજાશે – જિલ્લામાં સાત આઈકોનિક સ્થળે થશે યોગ નિદર્શન
૨૧મી જૂને દુનિયાભરના દેશોમાં ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી થનાર છે. આ સાથે દેશમાં આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકારે રાજ્યમાં ૭૫ આઇકોનિક સ્થળે યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. જેમાં રાજકોટ જિલ્લાના સાત સ્થળની પસંદગી કરવામાં આવી છે. જળસંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને યોગ દિનની જિલ્લા કક્ષાની ઉજવણી ગોંડલમાં સંગ્રામસિંહજી હાઇસ્કૂલ ખાતે યોજાશે. જેમાં ૨૦૦૦થી વધુ લોકો જોડાશે. જ્યારે રાજકોટ મહાનગરમાં સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીશ્રી ભાનુબહેન બાબરિયાના અધ્યક્ષસ્થાને રેસકોર્સ ખાતે યોગ દિવસની ઉજવણી થશે. જેમાં પણ આશરે ૨૦૦૦ લોકો જોડાશે. આ ઉપરાંત યોગ દિન અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. યોગ દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ સંબોધન કરીને લોકોને યોગ માટે પ્રોત્સાહિત કરશે.

રાજકોટ જિલ્લામાં યોગ દિનની ઉજવણી માટે જે સાત આઇનોનિક સ્થળ નક્કી કરવામાં આવ્યા છે, તેમાં (૧) સંગ્રામસિંહજી સ્કૂલ, ગોંડલ, (૨) પોલીસ હેડ ક્વાર્ટર, જેતપુર, (૩) રેસકોર્ષ ગ્રાઉન્ડ,રાજકોટ, (૪) આલ્ફ્રેડ હાઈસ્કૂલ, રાજકોટ, (૫) રાષ્ટ્રીય શાળા, (૬) જ્યુબેલી બેન્ડ સ્ટેન્ડ (૭) કબા ગાંધીના ડેલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના દરેક તાલુકાના અમૃત સરોવરો ખાતે યોગ કાર્યક્રમ કરવામાં આવશે.
યોગ દિનની ઉજવણીમાં ભાગ લેવા માટે કોઈપણ નાગરિક, સંસ્થા, કચેરી વગેરે http://desk.voiceey.com/idoy/ પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે.








