
તા.૧/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
તહેવારોના દેશમાં દેશના ખાસ તહેવારમાં ઉત્સાહભેર ભાગ લેતા ભવિષ્યના મતદાતાઓ
Rajkot: લોકસભાની સામાન્ય ચૂંટણીના ભાગરૂપે ભારતભરમાં ઠેર-ઠેર ઉત્સાહ સાથે “મતદાન જાગૃતિ અભિયાન”નું આયોજન થઇ રહ્યું છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના ભાડલા ગામની એચ.આર.ગારડી હાઇસ્કુલ, આટકોટ ખાતેની કૈલાશનગર તાલુકા શાળા અને જસદણની ઇનોવેટીવ સ્કુલમાં “ચુનાવી પાઠશાળા” અન્વયે વિદ્યાર્થીઓએ રેલી, વિડીયો સંદેશ અને નાટકના માધ્યમથી મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું હતુ.


આ અભિયાનમાં વિદ્યાર્થીઓએ નાટક સ્વરૂપે સંપૂર્ણ ચૂંટણી પ્રકિયાની રજૂઆત કરી હતી. જેમાં ઉમેદવારની નોંધણી અને પ્રચાર, મતદાન પ્રક્રિયા, ઈ.વી.એમ.ને સ્ટ્રોંગ રૂમમાં મુકવું, મતગણતરી અને ચૂંટણીના પરિણામો સહિતની મહત્વની બાબતો આવરી લેવાઈ હતી. આટકોટ ખાતેની કૈલાશનગર તલુકા શાળાના વિદ્યાર્થીઓએ “પહેલા મતદાન, પછી જલપાન”, “મતદાન કરીશ અને કરાવીશ”ના સુત્રો સાથે રેલીનું આયોજન કર્યું હતુ. અને જસદણ ખાતે આવેલી ઇનોવેટીવ સ્કુલના શિક્ષકે વિડીયો સંદેશના માધ્યમથી લોકોને દેશના તહેવારમાં જોડાવા પ્રેરણા આપી હતી.









