
તા.૩૦/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
કર્મયોગીઓને સમયબધ્ધતા, નવી ટેકનોલોજીના ઉપયોગ, અનુશાસન અને ઇજનેરી કૌશલ્યના સંકલન સાથે સૌરાષ્ટ્રને હરિયાળો બનાવવા અપીલ કરતાં મંત્રીશ્રી બાવળીયા
Rajkot: રાજકોટના અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે ગુજરાતના પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને જળ સંપતિ વિભાગના સૌરાષ્ટ્ર ઝોનના આંતરિક સ્તરના અધિકારીઓની ચિંતન શિબિર યોજાઇ હતી.

આ તકે મંત્રીશ્રીએ અધિકારીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, જળસંપત્તિ વિભાગ એ ગુજરાતમાં જળની જાળવણી,જતન અને સિંચન કરતો વિભાગ છે. લોકોની પાણીની જરૂરિયાત સારી રીતે સંતોષવા અને સાથે જ અન્ય વિભાગો પણ પ્રેરણા લે તેવી શ્રેષ્ઠ કામગીરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવા માટે સૌને ટીમવર્ક સાથે કામ મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.
સાથે જ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની જનતાની પાણીની જરૂરિયાતને પૂરી પાડવા અમલી બનાવેલી “સૌની” યોજનાના મીઠા ફળરૂપે સૌરાષ્ટ્રની જમીનને મળી રહ્યા છે, ત્યારે વધુ જળસંગ્રહ કરવા ચેકડેમ તળાવના ઇન્ટર લિન્કિંગ કરવા તેમજ બાંધકામને ગુણવત્તાલક્ષી અને શ્રેષ્ઠ બનાવવા નવી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા મંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો.

જળ પ્રદૂષણ અંગે મંત્રીશ્રીએ ટકોર કરતા કહ્યું હતું કે જો કોઈ ગ્રામ વિસ્તાર શુદ્ધ જળાશયોમાં ગામનું ગટરનું પાણી કે શહેરનું પાણી છોડે તો તરત જ તેના પર કાર્યવાહી કરી અને જળ પ્રદૂષણને અટકાવવું જોઈએ કેનાલોનું રીસ્ટ્રકચરીગ, ભૂગર્ભજળનું વધુમાં વધુ સંગ્રહ કરી તાંત્રિક વિભાગના કર્મચારીઓને તેના ઇજનેરી કૌશલ્ય, સમયબધ્ધતા અને શિસ્ત અનુશાસન સાથે લોક કલ્યાણકારી કામગીરીમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી.

સૌરાષ્ટ્ર વિસ્તારની આ ચિંતન શિબિરમાં પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાનું અધિકારીઓ દ્વારા છોડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં બે સેશનમા રાજ્યમાં જળ સંસાધનોની સ્થિતિ, ડેમ સલામતી – પુર નિયંત્રણ, પ્રવર્તમાન કેનાલની સુધારણા, ગુણવત્તાની ચકાસણી, નિયમન અને ચોકસાઈ, સૌની યોજના તેમજ વિવિધ ચેકડેમોના બાંધકામ, અને દરિયાકાંઠાના વિસ્તારમાં ક્ષાર નિયંત્રણ અંગે ચર્ચા યોજાઈ હતી. સૌની યોજના અંગે આગામી પ્રોજેક્ટ તેમજ વિઝનને પી.પી.ટી.ના માધ્યમથી રજુ કરાયું હતું.
આ ચિંતન શિબિરમાં જળ સંપત્તિ વિભાગના સચિવશ્રી કે.એ.પટેલ, મુખ્ય ઈજનેરશ્રી એચ.જી.કલ્યાણી, એ.સી.શ્રી કે.એચ મહેતા તેમજ પાણી પુરવઠા વિભાગના પદાધિકારીઓ- અધિકારીઓ, કાર્યપાલક ઈજનેરશ્રીઓ અને વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.








