GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદોનું સી-વિજિલ દ્વારા મિનિટોમાં જ નિવારણ

તા.૨૦/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

ખાસ લેખ – સંદીપ કાનાણી

ફરિયાદો નોંધાવવા માટે ૨૪ કલાક ચાલતો ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૦૩૨૨

સી-વિજિલ મોબાઈલ એપ પર પણ ફરિયાદ થઈ શકે છે : ૧૦૦ મિનિટમાં જ આવે છે ઉકેલ

Rajkot: રાજકોટ જિલ્લામાં એક વ્યક્તિને ધ્યાનમાં આવ્યું કે, ગ્રામીણ વિસ્તારમાં જાહેર જગ્યાએ લાગેલું સરકારી હોર્ડિંગ હજુ દૂર કરવાનું બાકી છે. આદર્શ આચારસંહિતાના અમલ માટે આ હોર્ડિંગ દૂર કરવું જરૂરી છે. તેમણે તાત્કાલિક સી-વિજિલના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરતાં જ ગણતરીની મિનિટોમાં જ તેના પર એક્શન લેવાયા અને બેનર દૂર કરી દેવાયું હતું.

લોકસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ, રાજકોટ જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી બની ગઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ થઈ રહ્યો છે. આ સાથે આચારસંહિતાના ભંગને લગતી ફરિયાદો સરળતાથી નોંધાવી શકાય તેમજ તેનો ગણતરીની મિનિટોમાં જ ઉકેલ લાવી શકાય તે માટે, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની સૂચના મુજબ, સી-વિજિલ (સિટિઝન વિજિલન્સ) ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૦૩૨૨ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત સી-વિજિલ મોબાઈલ એપ પણ ચાલુ કરી દેવામાં આવી છે. આચારસંહિતાની માર્ગદર્શિકા મુજબ આ ફરિયાદનું માત્ર ૧૦૦ મિનિટમાં જ નિરાકરણ કરવામાં આવે છે.

આ ટોલ ફ્રી નંબર તથા મોબાઈલ એપ ૨૪ કલાક ચાલુ રહે છે અને કોઈ પણ નાગરિક ૨૪ કલાકમાં ગમે ત્યારે આચારસંહિતા ભંગને લગતા કોઈ પણ કિસ્સાની ફરિયાદો તેના પર નોંધાવી શકે છે. આ માટે જિલ્લા કલેક્ટર કચેરીમાં સી-વિજિલ કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ સ્ટાફ ત્રણ પાળીમાં ૨૪ કલાક ફરજ બજાવે છે. ટોલ ફ્રી નંબર પર ૨-૨-૨ કર્મચારીઓ તો સી-વિજિલ મોબાઈલ એપ માટે ૩-૩-૩ કર્મચારીઓ ત્રણ શિફ્ટમાં કામ કરે છે. આ ઉપરાંત, આ તમામ કામગીરી પર નજર રાખવા નોડલ અધિકારીની પણ નિયુક્તિ કરવામાં આવી છે.

૧૬મી માર્ચે કેન્દ્રીય ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરી ત્યારથી જ સી-વિજિલ કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે. અહીં શરૂ કરાયેલા ટોલ ફ્રી નંબર પર અત્યાર સુધીમાં નવ ફરિયાદો આવી છે, જેમાંથી મોટાભાગની બેનરો દૂર કરવા સંબંધિત હતી અને એ તમામ પર ગણતરીની મિનિટોમાં જ કાર્યવાહી કરીને ઉકેલ લાવવામાં આવ્યો છે.

કેવી રીતે આવે છે ફરિયાદનું નિવારણ? એ જાણવું રસપ્રદ રહેશે. જ્યારે કોઈ નાગરિક ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરે ત્યારે તેની વિગતો નોંધી લેવામાં આવે છે. એ પછી ફોન પરનો કર્મચારી સંબંધિત વિસ્તારની ફ્લાઈંગ સ્ક્વોડને આ ફરિયાદની વિગતો તાત્કાલિક મોકલી દે છે અને સ્ક્વોડની ટીમ તેના પર કાર્યવાહી કરે છે તથા ફરિયાદ નિકાલનો રીપોર્ટ આપે છે. જે રીપોર્ટ કંટ્રોલરૂમમાં નોંધવામાં આવે છે.

નાગરિકો આચારસંહિતા ભંગની ફરિયાદ સી-વિજિલ મોબાઈલ એપ પર પણ નોંધાવી શકે છે. આ ફરિયાદ ફોટો, વીડિયો કે ઓડિયો એમ કોઈ પણ સ્વરૂપે નોંધાવી શકાય છે. કુલ મળીને ચાર તબક્કામાં ફરિયાદનું નિવારણ થાય છે. (૧) જ્યારે વ્યક્તિ ફરિયાદ કરે ત્યારે સોફ્ટવેરમાં તેનું લોકેશન ડિટેક્ટ થાય છે અને આ ફરિયાદની નોંધ થાય છે. (૨) આ લોકેશન તેમજ ફરિયાદની વિગતો પાંચ જ મિનિટમાં ફ્લાઈંગ સ્ક્વોડને મોકલી દેવામાં આવે છે. ફ્લાઈંગ સ્ક્વોડ ૧૫ જ મિનિટમાં ત્યાં પહોંચી જાય છે અને બેનર વગેરે દૂર કરવાની કે જરૂરી એક્શન લે છે. (૩) એ પછી ૩૦ જ મિનિટમાં ફરિયાદ નિવારણનો રિપોર્ટ રિટર્નિંગ ઓફિસર કે આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરને મોકલવામાં આવે છે. (૪) રિટર્નિંગ ઓફિસર કે આસિ. રિટર્નિંગ ઓફિસર ૫૦ મિનિટમાં આ ફરિયાદ ક્લોઝ કરે છે.

રાજકોટ જિલ્લામાં સી-વિજિલના ટોલ ફ્રી નંબર પર અત્યાર સુધીમાં નવ ફરિયાદો આવી છે, જેનું તત્કાલ નિવારણ કરી દેવામાં આવ્યું છે. જ્યારે ૨૦ માર્ચે બપોરે એક કલાકની સ્થિતિ સુધીમાં મોબાઈલ એપ પર કોઈ જ ફરિયાદ આવેલી નથી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button