તા.૨૦/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લામાં નશાબંધીને લગતા ગુનાઓ અટકાવવા, માદક દ્રવ્યોના સેવનની પ્રવૃત્તિ પર નિયંત્રણ મુકવા તથા નાર્કોટિક્સની ગેરકાયદે હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે કલેકટરશ્રી પ્રભવ જોષીની અધ્યક્ષતામાં રાજકોટ કલેકટર કચેરી ખાતે નાર્કો કો- ઓર્ડીનેશન સેન્ટર કમિટીની મિટિંગ યોજાઇ હતી.
આ બેઠકમાં કલેકટરશ્રી પ્રભવ જોષીએ કહયુ હતું કે, મોટા ભાગે કિશોરો-યુવાનો નશીલા દ્વ્યોમાં સપડાતા જોવા મળે છે ત્યારે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ નશીલા પદાર્થના રવાડે ન ચડે તેની તકેદારી શિક્ષણ વિભાગે ખાસ લેવી જોઇએ. શાળાની ૧૦૦ કિમી આસપાસ તમાકુ વેચવું ન જોઇએ. શહેરમાં ક્યાંય પણ ચરસ, ગાંજો, અફીણ, હેરોઇન જેવા નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તો તેની જાણ પોલીસ વિભાગને તાત્કાલિક કરવી જોઈએ. જેથી આ દૂષણના ભરડાને ટાળવા પોલીસ કડક કાર્યવાહી કરી શકે.
આ બેઠકમાં નાર્કોટીકસ વિશે કરેલા જન જાગૃતીના કાર્યક્રમો વિશેની વિગતો પી.પી.ટી. દ્વારા રજૂ કરાઈ હતી. જેમાં અવેરનેસ કેમ્પ, નશીલા દ્વ્યોના ટ્રાફિકીંગ રૂટ, નશીલા દ્વ્યોની શારીરિક – માનસિક અસરો, પોલીસ વિભાગ દ્વારા પકડાતું ડ્રગ્સ, ડ્રગ્સને નાશ કરવાના નિયમો, વ્યસન મુક્તિ માટે નાગરિકોની ફરજો, રિહેબિલીટેશન સેન્ટર વગેરેનો સમાવેશ કરાયો હતો.
આ મિટિંગમાં પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંઘ રાઠોડ, અધિક નિવાસી કલેકટરશ્રી ખાચર, ખેતીવાડી અધિકારીશ્રી તૃપ્તિ પટેલ, આરોગ્ય અધિકારી ડો.પી.કે.સિંગ, એજયુ. ઇન્સ્પેકટર હિતેશ સોમેયા, મેહુલગીરી ગોસ્વામી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.








