
તા.૧૦/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
વિવિધ યોજનાઓ હેઠળ આવરી લઈને સર્વ નાગરિકોના સર્વાંગી વિકાસ થકી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થશે, મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot: દરેક નાગરિક સરકારશ્રીની વિવિધ યોજનાથી માહિતગાર થાય અને યોજનાના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડી શકાય હેતુથી સરકાર દ્વારા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લાના ખેરડી ગામમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં પટેલ સમાજવાડી ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

મંત્રીશ્રીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આ યાત્રા દ્વારા ગામેગામ વિવિધ યોજનાઓ પહોંચાડવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગામડાઓમાં સુવિધાઓ પણ પહોંચી છે. મહિલાઓને ચૂલાનો નુકસાનકારક ધુમાડો ન લેવો પડે તેની ચિંતા કરીને ઉજ્જવલા યોજના દ્વારા ગેસ કનેક્શન આપ્યા છે, કુવે કે નદીએ ઘડા ઉપાડીને પાણી ભરવા જવું પડતું તેની ચિંતા કરીને નલ સે જલ યોજના દ્વારા પાણી ઘર સુધી પહોંચાડવામાં આવ્યું છે. ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ, ધિરાણ વગેરે સવલતો, સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ગામમાં કુંભાર, મિસ્ત્રીકામ, દરજીકામ કરતા પરિવારો માટે તેમનું કામ સરળ બને અને યંત્રો વસાવી આગળ વધે તે માટે વિશ્વકર્મા યોજના થકી નાણાકીય સહાય તેમજ લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બાળકો અને કિશોરીઓના પોષણની ચિંતા કરીને વિવિધ પોષણક્ષમ કીટ આપવામાં આવે છે, વિધવા બહેનોને નાણાંકીય સહાય આપવામાં આવે છે. તમામ લોકોને વિવિધ યોજનાઓ હેઠળ આવરી લઈને તમામ નાગરિકોના સર્વાંગી વિકાસ થકી ગામ, રાજ્ય અને દેશનો સર્વાંગી વિકાસ થાય તે માટે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આયોજિત કરવામાં આવી છે. ઉપરાંત, મંત્રીશ્રીએ તમામ લોકોને યોજનાઓ અંગે જાગ્રત થઈ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીએ નાગરિકોને જન જન સુધી સહાય પહોંચાડવાના સેવાયજ્ઞ સમાન આ કાર્યક્રમના જોડાવા તેમજ અન્યોને લાભ અપાવવા અપીલ કરી હતી.
કાર્યક્રમમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ પોલિયો રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓએ ‘મેરી કહાની મેરી જુબાની’ થકી પોતાને મળેલ લાભની રજૂઆત કરી હતી. ઉપરાંત, વિદ્યાર્થીઓ, કર્મનિષ્ઠ નાગરિકોને સન્મામિત કરવામાં આવ્યા હતાં.
આ તકે એ.પી.એમ.સી. ચેરમેનશ્રી જયેશભાઇ બોઘરા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ચેતનભાઈ કથીરિયા, અગ્રણીશ્રી જે. કે. પીપળીયા, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સદસ્યો, ગામના સરપંચશ્રી રૂપલબેન રીબડીયા, ઉપસરપંચશ્રી મિનલબેન વ્યાસ, અધિકારીશ્રીઓ, ગામના આગેવાનો અને મોટી સંખ્યમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.








