Rajkot: યુવા મતદારોને જાગૃત કરવા જિલ્લા ચૂંટણી તંત્રનો નવતર પ્રયાસ

તા.૯/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
જાણીતા આર.જે. દ્વારા રાજકોટની મહિલા કોલેજ ખાતે મતદાનની અપીલ
Rajkot: લોકસભા ચુંટણી ૨૦૨૪માં મતદાતાઓ ઉત્સાહભેર મતદાન કરે તે માટે સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીસિપેશન- SVEEP) અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશી અને અધિક ચૂંટણી અધિકારી શ્રી એન.કે.મુછારના માર્ગદર્શન હેઠળ વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે.

જે અંતર્ગત કણસાગરા મહિલા કોલેજ ખાતે યુવા મતદારો માટે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્મમાં આર. જે. હિરવાએ ઉત્સાહસભર અંદાજમાં છાત્રાઓને મતદાનની આવશ્યકતા સમજાવીને તમામને અચૂક મતદાન કરવા અને કરાવવા માટે અપીલ કરી હતી. વધુમાં મતદાનના સમય, સ્થળ વગેરેની માહિતી આપીને મતદાન માટેની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

સ્વસ્થ લોકશાહી માટે દરેક નાગરિક પોતાની મતદાનની પવિત્ર ફરજ નિભાવે તે જરૂરી છે, જે સુનિશ્ચિત કરવા પ્રથમ વખત મત આપનારા તેમજ અન્ય યુવા મતદાતાઓને જાગ્રત કરવાના હેતુથી કોલેજના વિદ્યાર્થીઓ માટે વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.








