
તા.૧૦/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: બાંધકામ શ્રમિકોને રૂપિયા પાંચમાં ભરપેટ ભોજન આપતી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” અંતર્ગત આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટમાં વર્ચ્યુઅલી નવા પાંચ ભોજન કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે રાજકોટ શહેર-જિલ્લામાં શ્રમિકોને રૂપિયા પાંચમાં ભોજન આપતા કેન્દ્રોની સંખ્યા ૧૪ થઈ છે.

રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે નવા ભોજન કેન્દ્રોના ઉદઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત બાંધકામ શ્રમિકોને સંબોધન કરતા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ભાનુબહેન બાબરિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સગર્ભા સ્ત્રીના પોષણથી લઈને, બાળકના જન્મ પછી તેના પોષણ અને આરોગ્ય તથા શિક્ષણની ચિંતા ગુજરાત સરકાર કરે છે. માત્ર રૂપિયા પાંચના નજીવા ભાવે એક વ્યક્તિને સંપૂર્ણ ભોજન મળે તેવી વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વકર્મા સમાજને પ્રોત્સાહન આપવાના પ્રયાસ થઈ રહ્યા છે, તેનો ઉલ્લેખ કરતાં મંત્રી સુશ્રી ભાનુબહેન કહ્યું હતું કે, હાલમાં દીપાવલીનું પર્વ શરૂ થયું છે ત્યારે સ્થાનિક ફેરિયાઓ પાસેથી ખરીદી કરીએ તો તેમને પણ રોજગારી મળશે અને તેઓ પોતાના પરિવાર સાથે આનંદપૂર્વક દિવાળી ઉજવી શકશે. આ અંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પ્રેરણા આપી છે અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પણ આહવાન કર્યું છે ત્યારે સ્થાનિક વેપારીઓ, ફેરિયાઓ પાસેથી વસ્તુઓ ખરીદીને તેમને રોજગારી આપવા તેમણે અપીલ કરી હતી.

આ તકે રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાન મોદીના શાસનમાં કેન્દ્ર અને રાજ્યમાં નાના માણસો માટે ગણી ગણાય નહીં એટલી બધી યોજનાઓ છે. ગુજરાતના લોકો આજે ગોલ્ડન યુગમાં જીવી રહ્યા છે. રાજકોટમાં વિકાસ સાથે સતત નવી બાંધકામ સાઇટો વિકસી રહી છે ત્યારે બંધકામ શ્રમિકોને પણ સારું વળતર મળતું થયું છે.
રાજકોટમાં આજે જે નવા પાંચ શ્રમિક અન્નપૂર્ણા ભોજન કેન્દ્રો શરૂ થયા છે, તેમાં રાજકોટ જિલ્લામાં (૧) મોરબી રોડ જકાત નાકા ખાતેનું કડિયા નાકું, (૨) કે.ડી. ચોક રોડ, ધરાર શાક માર્કેટ પાસેનું કડિયા નાકું, (૩) પરસાણાનગર કડિયા નાકું, (૪) રામાપીર ચોકડી કડિયા નાકું તથા (૫) જસદણમાં જુના બસ સ્ટેન્ડ પાસેના કડિયા નાકા ખાતેના કેન્દ્રનો સમાવેશ થાય છે.
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના ઉપક્રમે આજે રાજ્યના ૧૭ જિલ્લામાં ૧૫૫ કડિયાનાકાઓ પર શ્રમિક અન્નપૂર્ણા ભોજન કેન્દ્રના ઉદઘાટનના રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટના ધારાસભ્ય સુશ્રી ડૉ. દર્શિતાબહેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશી, પ્રાંત અધિકારી ડૉ. સંદીપ વર્મા, આસિ. લેબર કમિશનર શ્રી જી.એમ. ભૂરકા, લેબર વિભાગના આસિ. ડાયરેક્ટર શ્રી વાય.બી. કિરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦ (બોક્સ) ૦૦૦૦
– વિવિધ લાભાર્થીઓને રૂ.૧૧.૪૨ લાખની સહાયના ચેક વિતરણ
નવા શ્રમિક અન્નપૂર્ણા ભોજન કેન્દ્રના ઉદઘાટન પ્રસંગે ત્રણ લાભાર્થીને પ્રસૂતિ સહાયના રૂ.૬-૬ હજારના ચેક, ત્રણ લાભાર્થીને પ્રસૂતિ સહાય તથા ભાગ્ય લક્ષ્મી બોન્ડ સહાય મળીને રૂપિયા ૩૧-૩૧ હજારની સહાયના ચેક, ચાર લાભાર્થીને વિવિધ રકમની શિક્ષણ સહાયના ચેક તથા નાનાજી આવાસ યોજના અંતર્ગત બે લાભાર્થીને રૂ. ૧.૬૦-૧.૬૦ લાખના ચેક, અકસ્માત સહાય યોજના પેટે બે લાભાર્થીને રૂ.૩-૩ લાખના ચેક તથા અંત્યેષ્ઠિ સહાય યોજના પેટે બે લાભાર્થીને રૂ. ૧૦-૧૦ હજારની સહાયના ચેક મળીને કુલ ૧૬ લાભાર્થીને રૂ. ૧૧.૪૨ લાખની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ઉપસ્થિત તમામ શ્રમિકોને ટિફિન તથા બેગની ગિફ્ટ પણ અપાઈ હતી.
૦૦૦૦ (બોક્સ) ૦૦૦૦
– ધન્વંતરિ રથ દ્વારા કરાઈ શ્રમિકોની આરોગ્ય તપાસ
હેમુ ગઢવી હોલ ખાતે શ્રમિક અન્નપૂર્ણા ભોજન કેન્દ્રના ઉદઘાટન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાંધકામ શ્રમિકો ઉમટ્યા હતા. આ તકે અહીં ધન્વંતરી રથ દ્વારા ૪૫ જેટલા શ્રમિકોના આરોગ્યની તપાસ કરીને દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.








