
તા.૩૦/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
દરેક વિધાનસભા દીઠ એક મોડેલ બૂથ, સાત મહિલા બૂથ અને એક દિવ્યાંગ બૂથ રહેશે
Rajkot: રાજકોટ લોકસભાની ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં વિવિધ કામગીરીઓ વેગવાન બની છે. સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) પ્રવૃત્તિ અંતર્ગત મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે, તો મતદાન વખતે મતદારોનો ઉત્સાહ વધે અને તેમનો વોટિંગનો અનુભવ વધુ સુખદ-રોમાંચક બને તે માટે લોકસભા મત વિસ્તારમાં વિશિષ્ટ પ્રકારના મતદાન મથકોનું નિર્માણ કરવામાં આવશે. કુલ મળીને ૭૩ વિશિષ્ટ મતદાન મથકો હશે, તે મતદારોનો ઉત્સાહ વધારવા સાથે મતદાન માટે લોકોને આકર્ષિત કરશે.
રાજકોટ જિલ્લામાં આઠ વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં દરેક વિધાનસભા મત વિસ્તાર દીઠ એક મળીને કુલ આઠ મોડેલ મતદાન મથકો બનાવવામાં આવશે. આ ઉપરાંત ૭૦-રાજકોટ દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં યુવા સંચાલિત એક મતદાન મથક બનાવાશે. જેમાં કામ કરનારા તમામ કર્મચારીઓ યુવાનો હશે.
જિલ્લામાં દરેક વિધાનસભા મત વિસ્તારદીઠ સાત-સાત મળીને, જિલ્લામાં કુલ ૫૬ સખી મતદાન મથકો બનાવવામાં આવશે. એટલે કે આ મતદાન મથકોનું સંપૂર્ણ સંચાલન મહિલા કર્મચારીઓ દ્વારા થશે.
આ ઉપરાંત જિલ્લામાં દરેક વિધાનસભા દીઠ એક-એક દિવ્યાંગ મતદાન મથક બનાવાશે. જેનું સંચાલન દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે.
મહત્ત્વનું છે કે, ચૂંટણી એ લોકશાહીની કરોડરજ્જુ મનાય છે તો ચૂંટણી એ લોકશાહીનો પવિત્ર અવસર પણ છે. “ચૂંટણીનું પર્વ, દેશનું ગર્વ” છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા નિર્માણ કરવામાં આવતા આ વિશિષ્ટ મતદાન મથકો મતદારોમાં અનેરું આકર્ષણ જમાવે છે. એટલું જ નહીં તેમનો મતદાનનો ઉત્સાહ વધુ સુખદ બનાવે છે, તો ચૂંટણી કર્મચારીઓમાં પણ ઉત્સાહ જગાવે છે.