Rajkot: ૬૮ – રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારના ૨૬૧ મતદાન મથકો માટે ઈ.વી.એમ.ની કરાઈ સોંપણી

તા.૬/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીએ ઉપસ્થિત રહી સ્ટાફને બિરદાવ્યા
Rajkot: ૧૦- રાજકોટ સંસદીય મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં યોજવા માટે આજે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં મતદાન મથકો માટે ઈ.વી.એમ. (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ની સોંપણી તથા તેને મતદાન મથકો સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી.

જે અંતર્ગત ૬૮ – રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારના ૨૬૧ મતદાન મથકો માટે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન. કે. મુછાર તથા એ.આર.ઓ. સુશ્રી રાજશ્રી વંગવાણીના નેતૃત્વમાં મતદાન મથકોની ટીમને ઈ .વી.એમ.ની સોંપણી કરવામાં આવી હતી. આ સાથે આ ટીમો ઈ.વી.એમ. સેટ તેમજ ચૂંટણીલક્ષી સામગ્રી સાથે પોતપોતાના મતદાન મથકોએ વાહનોમાં રવાના થઈ હતી.

૬૮ – રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં ૨૬ ઝોનલ રૂટના ૨૬૧ મતદાન મથકો માટે નિયુક્ત થયેલા ચૂંટણી ફરજ પરના કર્મચારી-અધિકારીઓ આજે સવારથી જ, ઈ.વી.એમ. ડીસ્પેચ સેન્ટર પી. એન્ડ ટી. વી. શેઠ હાઈસ્કૂલ ખાતે પહોંચ્યા હતા. અહીં તેઓને ચૂંટણીલક્ષી સાહિત્ય તેમજ ઈ.વી.એમ.ની સોંપણી કરવામાં આવી હતી. આ તકે અહીં તમામ સ્ટાફ માટે ચા-નાસ્તા તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશી તપાસ માટે અહીં પહોંચ્યા હતા. સમગ્ર કામગીરી સુચારુ તથા સુવ્યવસ્થિત રીતે થઈ રહી હોવાની તેમણે ખાતરી કરી હતી. આ સાથે તેમણે મતદાન મથકોના સ્ટાફ સાથે વાતચીત કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને તેઓની ચૂંટણી ફરજનિષ્ઠાને બિરદાવી હતી.

આ તકે અહીં ઈમરજન્સીમાં મેડિકલની સ્થિતિને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ તેમજ કર્મચારીઓની આરોગ્ય તપાસ માટે દવાઓ, ઓ.આર.એસ. સાથેના આરોગ્ય બુથ ઉપરાંત ફાયર બ્રિગેડ તેમજ સુરક્ષા માટે હથિયારધારી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.









