
તા.૬/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: ‘સબ કી યોજના, સબ કા વિકાસ’ કાર્યક્રમ અંતર્ગત બીજા તબક્કાની ગ્રામસભાનું આયોજન રાજકોટ જિલ્લા પંચાયત કચેરી દ્વારા દરેક તાલુકાના વિવિધ ગામોમાં કરવામાં આવ્યું હતું.
જે અન્વયે તલાટી કમ મંત્રીશ્રી મહેશભાઈ મુંગરાએ જણાવ્યું હતું કે રાજકોટ તાલુકાના આણંદપર (નવા) ગામ ખાતે સરપંચશ્રી લાલજીભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ હતી, જેમાં પંચાયત વિકાસ સૂચક આંકનું વાંચન કરાયું હતું. પીપલ્સ પ્લાન કેમ્પેઈન ૨૦૨૩-‘૨૪નું આયોજન અને ૧૫મું નાણાપંચ – ૨૦૨૦-‘૨૧, ૨૦૨૧-‘૨૨, ૨૦૨૨-‘૨૩નું સોશિયલ ઓડીટ કરાયું હતું. તેમજ ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશનું આયોજન તથા ‘જળ જીવન મિશન’ કાર્યક્રમની ચર્ચા કરાઈ હતી. આ તકે ઉપસરપંચશ્રી હિતેન્દ્રભાઈ ડાભી તથા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

તલાટી કમ મંત્રીશ્રી ડી. એમ. બાબરીયાએ જણાવ્યું છે કે ગોંડલ તાલુકાની અનીડા (ભા.) ગ્રામ પંચાયત દ્વારા સરપંચશ્રી સામંતભાઈ બાંભવાની અધ્યક્ષતામાં આયોજિત ગ્રામ સભામાં બાળકોને ગાંધી બાપુના જીવન અંગે સમજ આપવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગતસિંહ જેવા રાષ્ટ્ર્રભક્તો વિશે વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમજ ગામના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને રાષ્ટ્રધ્વજ સાથે રેલી કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્યશ્રી હિરેનભાઈ ગામી, ન્યાય સમિતિ ચેરમેનશ્રી, આરોગ્ય કર્મચારીઓ, પ્રાથમિક શાળા તથા આંગણવાડીના તમામ સ્ટાફ અને ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.
ગોંડલ તાલુકાના બીલડી ગામના સરપંચશ્રી હંસાબેન રમેશભાઈ ભુવાના અધ્યક્ષસ્થાને સામાજિક ન્યાય સમિતિ ચેરમેનશ્રી રવજીભાઈ ચાંચીયા, આંગણવાડીના સ્ટાફ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ગ્રામ સભા યોજાઈ હતી. તેમજ શ્રીનાથગઢ ગામમાં સરપંચશ્રી સી. સી. સોરઠીયાના અધ્યક્ષસ્થાને ઉપસરપંચશ્રી વિપુલભાઈ ખાખરીયાની ઉપસ્થિતિમાં ગામના વિકાસ સંદર્ભે ભવિષ્યમાં થનારા કામોની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

જામકંડોરણા તાલુકાના સોડવદર ગામે સરપંચશ્રી મહેશભાઈ ભાલોડીયા તથા હરિયાસણ ગામે સરપંચશ્રી નરેન્દ્રભાઈ સાવલિયાના અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજાઈ હતી. તલાટી કમ મંત્રીશ્રી ડી.સી.પંડ્યાએ જણાવ્યું હતું કે ગ્રામસભામાં લોકોને ટી.બી.મુક્ત પંચાયત વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તથા સરકારની યોજનાઓ મનરેગા, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ મિશન વિશે વિગતવાર ચર્ચા કરાઈ હતી. આ સાથે જ ગ્રામ્ય કક્ષાએ ઉપસ્થિત કોઈ પ્રશ્ન અંગે ગ્રામસભામાં થયેલી રજૂઆતોને હલ કરવામાં આવી હતી. આ તકે ઉપસરપંચશ્રી જયદેવસિંહ જાડેજા, સભ્યશ્રીઓ રવજીભાઈ સારીયડા, જયસુખભાઈ ઉમરેઠિયા, કિરીટભાઈ બાબરીયા, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સદસ્યો, આશાવર્કર બહેનો, વી.સી.ઈ. તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








