DHORAJIGUJARATRAJKOT

Rajkot: રાજયકક્ષાની ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ૧૪થી ૧૮ વર્ષનાં ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે, ૩૦ નવેમ્બર સુધીમાં અરજી મોકલવા સૂચના

તા.૯/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: ગુજરાત સરકારનાં રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ ગ્રામ્ય સંચાલિત રાજયકક્ષાની ચતુર્થ ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા – ૨૦૨૩-‘૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા જુનીયર વિભાગ-ભાઈઓ અને જુનીયર વિભાગ-બહેનો એમ બે વિભાગમાં યોજવામાં આવશે.

ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ૧૪થી ૧૮ વર્ષની (તા. ૩૧/૧૨/૨૦૨૩ની સ્થિતિએ) વયમર્યાદા ધરાવતાં ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા સ્પર્ધકોએ રાજકોટ જિલ્લાનાં ધોરાજી તાલુકાનાં પાટણવાવ ગામે આવેલા ઓસમ પર્વત ખાતે સ્વખર્ચે આવવા-જવાનું રહેશે. સ્પર્ધા દરમિયાન નિવાસ અને ભોજન રાજય સરકાર તરફથી આપવામાં આવશે.

ગુજરાતનાં ઈડર, પાવાગઢ, ચોટીલા અને ગિરનાર ખાતે આયોજિત રાજયકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૩-‘૨૪માં જુનીયર કક્ષાએ ભાગ લેનારા સ્પર્ધકોએ રાજયકક્ષાની ચતુર્થ ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૩-‘૨૪માં ભાગ લેવાનો રહેશે નહીં. આ સ્પર્ધામાં ૦૧થી ૧૦ ક્રમે વિજેતા થનારા સ્પર્ધકોને રાષ્ટ્રીયકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સીધો જ પ્રવેશ આપવામાં આવશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતાં ગુજરાત રાજયનાં ભાઈઓ-બહેનોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ સંપૂર્ણ વિગતે ભરીને જરૂરી આધાર પુરાવા સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ ગ્રામ્ય, ૫/૫, બહુમાળી ભવન, રેસકોર્ષ રોડ, રાજકોટ ખાતે તા. ૩૦/૧૧/૨૦૨૩નાં રોજ બપોરે ૦૨:૦૦ કલાક સુધીમાં રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાનું રહેશે. અધુરી વિગતોવાળી તેમજ સમય મર્યાદા પછી મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેશભાઈ દિહોરાની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button