
તા.૭/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ અને ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ રાજકોટના કાંતા સ્ત્રી વિકાસ ગૃહની મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ આ પ્રસંગે ઉપસ્થિત છાત્રો તથા શિક્ષકગણને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આઝાદી પહેલા સ્થપાયેલી આ સંસ્થા આજે પણ શિક્ષણક્ષેત્રે ઉદાહરણરૂપ કાર્ય કરી રહી છે. આધુનિક માળખાકીય સુવિધા હોય પણ કેળવણી ન આપવામાં આવે તો વિદ્યાર્થીઓનું ઘડતર ન થાય, અહીં તમામ સુવિધાઓ સાથે સારામાં સારી કેળવણી પણ આપવામાં આવી રહી છે. મંત્રીશ્રીએ વિદ્યાર્થીનીઓને સ્થાપક પરિવારના ડો. સુશીલાબેન શેઠ કે જે ગુજરાતના એક સમયના મંત્રી રહી ચૂક્યા છે, તેમના જેવી સફળતા પ્રાપ્ત કરે અને સંસ્થાના વિચારો અને મૂલ્યોને જીવનમાં સાર્થક કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તેમજ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. આચાર્યા શ્રી જયશ્રીબેન વોરાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને સંસ્થાના સ્થાપક શેઠ પરિવારનું પ્રદાન અને સંસ્થાના વર્તમાન કાર્યોની વિગત આપી હતી. પુસ્તક દ્વારા મંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થિનીઓની વિવિધ સિદ્ધિઓ વિષે વાત કરી હતી. મંત્રીશ્રીએ વર્ષની શ્રેષ્ઠ વિદ્યાર્થિની દર્શિતા ભટ્ટનું સન્માન કર્યું હતું. વિદ્યાર્થીનીએ મંત્રીશ્રી સમક્ષ શાળાની વિકાસગાથા રજૂ કરતી કવિતા પણ રજૂ કરી હતી. ઉપરાંત,મંત્રીશ્રીએ શિક્ષિકાઓશ્રી આશાબેન મકવાણા તેમજ શ્રી સંગીતાબેન દવેનું સન્માન કર્યું હતું. ટ્રસ્ટીશ્રી નેહાબેન દફતરીએ આભારદર્શન કર્યું હતું
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, ટ્રસ્ટીશ્રી અતુલભાઇ મોદી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીશ્રીઓ, છાત્રો તથા શૈક્ષણિક-બિન શૈ્ક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.