GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટની ચૌધરી હાઈસ્કુલના પટાંગણમાં શહેરકક્ષાના ૭૫માં “પ્રજાસત્તાક પર્વ” ની શાનદાર ઉજવણી

તા.૨૬/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

-: નિવાસી અધિક કલેકટરશ્રી ચેતન ગાંધી -:

વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત બન્યું ગ્રોથ એન્જિન સમાન

શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં સરકાર સાથે ખભે-ખભો મિલાવીને આગળ વધવાની દરેક નાગરિકની જવાબદારી

હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને એઈમ્સ જેવા વિકાસ કામો રાજકોટ જિલ્લાની આગવી ઓળખ બન્યા છે

માર્ચપાસ્‍ટ અને રંગારંગ સાંસ્‍કૃતિક કાર્યક્રમો સહિત સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું કરાયું સન્માન

Rajkot: ૭૫માં “પ્રજાસત્તાક પર્વ”ની રાજકોટ શહેરકક્ષાની શાનદાર ઉજવણી ચૌધરી હાઈસ્કુલના પટાંગણમાં નિવાસી અધિક કલેકટરશ્રી ચેતન ગાંધીના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. નિવાસી અધિક કલેકટરશ્રી ચેતન ગાંધીએ દેશની આન, બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજને ફરકાવીને સલામી આપી હતી. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન કરીને પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે અધિકારીઓ, કર્મચારીઓ, નાગરિકો પાસે જઈને પ્રજાસત્તાક પર્વનું અભિવાદન ઝીલ્યું હતું.

આ તકે નિવાસી અધિક કલેકટરશ્રી ચેતન ગાંધીએ જણાવ્યું હતું કે, આપણે સૌ “આઝાદીનો અમૃત કાળ” ઉજવી રહ્યા છીએ, ત્યારે દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર નામી-અનામી શહીદોને કારણે જ આપણે આઝાદીના ફળ ચાખી રહ્યા છીએ. આજે સમગ્ર વિશ્વ માટે ભારત દેશ મિશાલ બન્યો છે. જે આપણા સૌ માટે ગર્વની વાત છે. ભારત પરિશ્રમ અને જન કલ્યાણને કેન્દ્રમાં રાખીને વિકસિત ભારતના નિર્માણમાં હરણફાળ ગતિએ આગળ વધી રહ્યો છે. ત્યારે દેશની ૫ ટકા વસ્તી ધરાવતું ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં ગ્રોથ એન્જિન બન્યું છે.

વધુમાં રાજકોટ જિલ્લામાં થયેલા વિકાસ કામો વિશે વર્ણવતા જણાવ્યું હતું કે, તાજેતરમાં જ રૂપિયા ૧૪૦૫ કરોડના ખર્ચે બનેલ આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનું લોકાપર્ણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. જે રાજકોટની આગવી ઓળખ બન્યું છે. જિલ્લામાં પરિવહન વ્યવસ્થા સુદ્રઢ બને તે માટે અનેક ફલાય ઓવરબ્રિજ અને અંડરબ્રિજના નિર્માણ થયા છે. તેમજ ગુજરાતની સૌપ્રથમ એઈમ્સના નિર્માણ સાથે આરોગ્ય ક્ષેત્રે સુરક્ષા કવચ પૂરું પાડનાર પી.એમ.જે.વાય યોજના હેઠળ આશરે ૧૪ લાખથી વધુ લોકોને આયુષ્માન કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે.

જિલ્લામાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે જળસંચય ક્ષેત્રે પણ ઉમદા કામગીરી કરવામાં આવી છે. “હર ઘર જલ” યોજના અન્વયે રાજકોટ જિલ્લામાં ૧૦૦ % કામગીરી પુર્ણ થઈ છે. ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ હંમેશા કેન્દ્ર સ્થાને રહ્યું છે ત્યારે “વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ” અંતર્ગત ઉદ્યોગકારો દ્વારા રૂ. ૭૧૫૦ કરોડથી વધુની રકમના ૧૮૫ જેટલા સમજૂતિ કરાર કરવામાં આવ્યા છે જેના થકી આશરે ૫૦ હજારથી વધુ લોકોને રોજગારી મળવાની સંભાવના છે, તેમ નિવાસી અધિક કલેકટરશ્રીએ ઉમેર્યું હતું.

તેમણે કહ્યું હતું કે, જનતાના સ્વપનોને પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, ત્યારે “પ્રધાનમંત્રી આવાસ યોજના” હેઠળ જિલ્લા વહિવટી તંત્ર સાતત્યપૂર્ણ કામગીરી કરી રહી છે. તેમજ વિદ્યાર્થીઓ ટેકનોસેવી બને અને વૈજ્ઞાનિક અભિગમ કેળવે તે માટે રાજ્ય સરકારની નેશનલ સાયન્સ અને ટેકનોલોજી પોલીસી અંતર્ગત જિલ્લાની ૧૧ શાળાઓમાં ૪૪ લાખના ખર્ચે “વિજ્ઞાન શક્તિ” (સ્ટેમ લેબ) શરૂ કરવામાં આવી છે.

આ તકે નિવાસી અધિક કલેકટરશ્રીએ જનતાને નાગરિક ધર્મની ભૂમિકા ભજવવા અપીલ કરતા કહ્યું હતું, રાષ્ટ્રના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે ત્યારે પ્રજાજનની પણ જવાબદારી છે કે સરકાર સાથે ખભેખભો મિલાવીને વિકસિત ભારતના નિર્માણ તરફ સૌ સાથે મળીને આગળ વધીએ.

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પરેડ કમાન્ડરશ્રી એમ.કે.ચૌહાણની આગેવાની હેઠળ યોજાયેલ પરેડ અને માર્ચ પાસ્ટમાં હથિયારધારી પોલીસ જવાનો, હોમગાર્ડના જવાનો, તથા એન.સી.સી. વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. સ્વાતંત્ર્ય સેનાનીઓશ્રી સ્વ. શ્રીકાંતભાઈ ત્રિવેદીના વારસદારશ્રી સુશીલભાઈ ત્રિવેદી, સ્વ.ભીખાભાઈ શાહના પરિવારજનોનું સુતરની આંટી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.

રાજકોટ શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભગવાનશ્રી રામના ગુણગાન કરતી સુંદર કૃતિઓ, “મૈ નયે ભારત કા ચહેરા હું”, “મેરે દેશ કી બેટી” સહિતના રાષ્ટ્રભક્તિ ગીતો પર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા ૧૪ જેટલા કર્મયોગીઓ, કલા ક્ષેત્રે યુવા મહોત્સવમાં વિજેતા થયેલા ૦૪ સ્પર્ધકો તથા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરનાર જુદી જુદી ૦૫ શાળાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આઝાદીના આ પર્વ નિમિત્તે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુસર સાંસ્કૃતિક કાર્યક્રમોના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલનશ્રી હરેશ ટી. રાવલએ કર્યું હતું.

આ પ્રસંગે સંસદ સભ્યશ્રીઓ મોહનભાઈ કુંડારિયા, શ્રી રામભાઈ મોકરીયા, પૂર્વ ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, તપસ્વી સ્વામીશ્રી જે.પી. મુનિશ્રી, પ્રાંત અધિકારીશ્રી કે.જી.ચૌધરી, મામલતદારશ્રીઓ, સામાજિક અગ્રણીશ્રી યશવંતભાઈ જનાણી સહિત જુદી જુદી કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ, અગ્રણીશ્રીઓ, સ્વતંત્ર સેનાનીના પરિવારજનો, શિક્ષકો, પ્રબુદ્ધ નાગરિકો અને શાળાના વિદ્યાર્થીઓ આઝાદીના પર્વમાં સામેલ થયા હતા.

[wptube id="1252022"]
Back to top button