
તા.૧૮/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
એ. જી.ઓફિસમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા શ્રી મુર્મુ
રાજકોટમાં નિર્માણ પામનારી ઇન્ટરનેશનલ સેન્ટર ફોર લોકલ ગવર્નન્સ ઇન્સ્ટિટ્યૂટ માટે સાઈટ વિઝીટ કરી
Rajkot: દેશના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ(સી.એ.જી.) શ્રી ગિરીશચન્દ્ર મુર્મુએ રાજકોટ સ્થિત એ.જી. ઓફિસ તથા એ.જી. સ્ટાફ કવાર્ટર્સની મુલાકાત લીધી હતી. તેમણે આઈ.સી.એલ.જી દ્વારા આગામી સમયમાં બનાવવામાં આવનારા ઇન્ટરનેશનલ સેન્ટર ફોર લોકલ ગવર્નન્સ સાઈટની તથા કાલાવડ રોડ, પ્રેમ મંદિર પાસે આવેલા સ્ટાફ ક્વાર્ટર્સની મુલાકાત લઇ તેના રીનોવેશન અંગે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
આ તકે સી.એ.જી.એ કહ્યું હતું કે, રાજયની રાજકોટ એકાઉન્ટન્ટ જનરલ ઓફિસ ખૂબ મહત્વની સંસ્થા છે. આ સંસ્થાની વડી કચેરી ગાંધીનગર સ્થળાંતરિત થશે. તથા રાજકોટમાં પ્રાદેશિક કક્ષાની કચેરી કાર્યરત રહેશે. ત્યારે આગામી સમયમાં સ્થાનિક સરકારના વિવિધ વિભાગોની પણ ઉચ્ચસ્તરીય તાલીમનું આયોજન થઈ શકે તે માટે રાજકોટમાં ખાસ આઈ.સી.એલ.જી. અંતર્ગત બનાવાઇ રહેલ ઇન્ટરનેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આંતરરાષ્ટ્રીય કક્ષાની બને તે માટે આવશ્યક બાબતોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવી રહયુ છે. આગામી ફેબ્રુઆરી માસના અંતમાં જ એક ઇન્ટરનેશનલ બેઠકનું આયોજન પણ કરવામાં આવશે.જેમાં ૧૦ થી ૧૨ દેશોના ૨૦ થી વધુ પાર્ટિસિપન્ટ જોડાશે.
સી.એ.જી.એ વધુમાં કહયુ હતું કે, એપ્રિલ માસથી આ ઇન્ટરનેશનલ સેન્ટરના પ્રથમ ક્લાસનો પ્રારંભ કરવામાં આવશે. વિવિધ દેશોમાં થઇ રહેલી સરકારી સંસ્થાઓની વિભિન્ન ઓડિટનો પદ્ધતિસરનો અને આધુનિક અભ્યાસ કરવા, તેના આદાન-પ્રદાન થકી કાર્ય પ્રણાલીમાં ગુણવત્તાયુક્ત ફેરફાર કરવામાં આ ઇન્સ્ટિટયૂટ મહત્વનું યોગદાન આપશે.
શ્રી મૂર્મૂએ કહયુ હતું કે, આંતરરાષ્ટ્રીય કક્ષાના આ તાલીમ કેન્દ્રમાં રાજ્ય સરકારનો પંચાયતી વિભાગ, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓની સ્પેશ્યિલ કેપેસિટી બિલ્ડીંગ માટેની તાલીમોના આયોજન કરવામાં આવશે. સમગ્ર દેશમાં આઈ.સી.એલ. જી. દ્વારા નોઇડા ખાતે કાર્યરત આઇ.ટી ઓડિટ તથા રાજસ્થાન ખાતેની એન્વાયર્નમેન્ટલ ઓડિટ જેવી સંસ્થાઓ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમોના આયોજન કરવામાં આવે છે, ત્યારે ગુજરાતમાં હયાત કોર્પોરેટ અને પંચાયતી રાજનું વિશિષ્ટ માપખાતે વધુ સુદ્રઢ બનાવી તેની ક્ષમતાનો તાલીમ દ્વારા વધુ વિકાસ થાય તે માટે રાજકોટ ખાતે ઇન્ટર ઇન્ટરનેશનલ સેન્ટર ફોર લોકલ ગવર્નન્સ ઇન્સ્ટિટયૂટ બનાવવામાં આવશે.
સી.એ.જીશ્રી મૂર્મૂએ હિસાબલક્ષી સંપૂર્ણ કામગીરીનું નિરીક્ષણ કરી એ.જી. ઓફિસ રાજકોટના અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી. કાર્યરત સાઇટ મુલાકાત દરમિયાન સી.એ.જી.શ્રી મુર્મુએ ઓડિટોરિયમ, કોન્ફરન્સ હોલ, ફેકલ્ટી કવાર્ટર્સ, ગ્રિન એરિયા, ડ્રીપ ઇરીગેશન, પાર્કિગ એરિયા, ડ્રેનેજ એરિયા, એકાઉન્ટ બિલ્ડિંગ રીનોવેટ કરવા, કોપર ઇલેકટ્રિક વાયરીંગ કરવા સહિતના જરૂરી સુચનો અધિકારીઓને કર્યા હતા.
આ તકે પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ(ઓડિટ) શ્રી દિનેશ પાટીલ, અમદાવાદના પ્રધાન મહાલેખાકારશ્રી સૌરભ જેપુરીયાળ, વરિષ્ઠ ઉપમહા લેખાકારશ્રી વિનસ ચૌધરી, ઉપમહા લેખાકારશ્રી કલ્પના સામંત, સિનિયર ઓડિટ ઓફિસરશ્રી અનિલ સાહુ સહિત રાજકોટ એ.જી.ઓફિસના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.