GUJARATJETPURRAJKOT

Rajkot: ‘‘મિશન ઈન્દ્રધનુષ’’ અંતર્ગત રાજકોટ જિલ્લામાં એક સપ્તાહમાં ૫૮૨ બાળકો, ૯૦ સગર્ભાનું રસીકરણ

તા.૧૬/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રસીકરણમાં વંચિત બાળકો-સગર્ભાઓનો હેડ કાઉન્ટ સર્વેથી શોધીને રસીકરણ કરાયું

Rajkot: કેન્દ્ર સરકાર દ્વારા માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઘટાડવા વર્ષ ૨૦૧૪થી રસીથી વંચિત રહી જતાં ૨ વર્ષની નાની ઉંમરના બાળકો અને સગર્ભા માતાઓ માટે “મિશન ઈન્દ્રધનુષ” – ખાસ રસીકરણ અભિયાન ચલાવવામાં આવે છે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં ગત સપ્તાહમાં “સઘન મિશન ઈન્દ્રધનુષ” હાથ ધરીને કુલ મળીને ૫૮૨ બાળકો અને ૯૦ સગર્ભાઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન તથા મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારીશ્રી નિલેશ રાઠોડની સૂચના મુજબ, જિલ્લા આર.સી.એચ. અધિકારીશ્રી ડો. જયેશ પોપટ અને આરોગ્‍ય વિભાગની ટીમ દ્વારા જિલ્લાના ૧૧ તાલુકામાં ૯મી ઓક્ટોબરથી ૧૪મી ઓક્ટોબર “સઘન મિશન ઈન્દ્રધનુષ” હાથ ધરાયું હતું. જેમાં અગાઉથી હેડ કાઉન્ટ સર્વે કરી શોધી કાઢેલા ૫૬૭ બાળકો અને ૬૩ સગર્ભા માતાઓને બાકી રહેતી રસી આપવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ ઉપરાંત ૧૪મી ઓક્ટોબર સુધીમાં કુલ મળીને ૫૮૨ બાળકો અને ૯૦ સગર્ભા માતાઓને રસીકરણમાં આવરી લેવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, રાજકોટ જિલ્લાના તમામ ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, નવ અર્બન હેલ્થ સેન્ટરો, ૩૪૪ સબ સેન્ટરો અને તેમના નજીકના ગામોના વાડી વિસ્તારો, ઈંટોના ભઠ્ઠાઓ તેમજ કારખાના વિસ્તારમાં કામ કરતા મજૂરોના બાળકો તેમજ સગર્ભા માતાઓને “સઘન મિશન ઈન્દ્રધનુષ” કાર્યક્રમ હેઠળ આવરી લઈ બાકી રહેતી રસી આપવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button