Rajkot: કોટડાસાંગાણી તાલુકાના અનીડા વાછરા ગામ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો

તા.૨/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
૧૨૦થી વધુ નાગરીકોને ઘર આંગણે મળ્યો આયુષ્માન કાર્ડ ,ટ્રેકટર સહાય હુકમ અને કિસાન ક્રેડિટ કાર્ડ સહિત યોજનાઓનો લાભ
“કિશોરીઓના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે સરકારની “પૂર્ણા શક્તિ યોજના” ઘણી લાભદાયી”, લાભાર્થી દ્રષ્ટિબેન મકવાણા
Rajkot: સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લોકોને ઘર આંગણે જ મળી રહે તે હેતુથી રાજ્યના દરેક જિલ્લાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા” રથ પરિભ્રમણ કરી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં ૨૪ નવેમ્બર, ૨૦૨૩થી શરૂ થયેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” હેઠળ કુલ ૧૦ રથોના માધ્યમ દ્વારા ગામડે ગામડે લોકોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત કોટડાસાંગાણી તાલુકાના અનીડા વાછરા ગામે લોકસભાના સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે આ રથ યાત્રા મહત્વની ભુમિકા ભજવી રહયો છે. ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ઘર આંગણે આપવામાં આવી રહ્યો છે. આજે આયુષ્માન ભારત કાર્ડ યોજના હેઠળ રૂપિયા ૧૦ લાખની સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે સરકારની આ આરોગ્ય સુરક્ષા કવચ પુરૂં પાડતી યોજનાનો લાભ લેવા સંસદશ્રીએ દરેક નાગરીકને અનુરોધ કર્યો હતો. તદુપરાંત સાંસદશ્રી દ્વારા સંસદસભ્ય ગ્રાન્ટમાંથી પેવર બ્લોકના કામ માટે રૂપિયા ૩ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ હેઠળ અનીડા વાછરા ગામના આશરે ૧૨૦ થી વધુ નાગરીકોને આયુષ્માન કાર્ડ, ટ્રેકટર સહાયના હુકમ, કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના લાભથી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. તેમજ હેલ્થ કેમ્પનું આયોજન કરીને ગ્રામજનોના આરોગ્યની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.
વધુમાં સરકારની યોજનાઓના લાભથી જીવનમાં આવેલ સકારાત્મક પરિવર્તન અંગે “મેરી કહાની મેરી ઝુબાની” હેઠળ પ્રતિભાવ આપતાં કિશોરી દ્રષ્ટિબહેન મકવાણાએ કહ્યું હતું કે, “પૂર્ણા શક્તિ યોજના” કિશોરીઓના તંદુરસ્ત આરોગ્ય માટે ઘણી લાભદાયી છે. મને દર મહિને તેના ચાર પેકેટ મળે છે. તેના કારણે મારું વજન પણ વધ્યું છે અને શક્તિ પણ મળે છે. દ્રષ્ટિબેનની વાતમાં સુર પુરાવતાં અન્ય એક લાભાર્થીએ કહ્યું હતું કે, આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા મારા બાળકને પણ પૂર્ણા શક્તિ યોજનાના પેકેટ મળે છે. તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ગુણવત્તાયુક્ત આહાર પણ મહત્વની ભુમિકા ભજવતો હોય છે. ત્યારે આ ઉમદા યોજના અને કામગીરી માટે સરકાર અને આંગણવાડી બહેનોનો ખુબ ખુબ આભાર માનીએ છીએ.
અનીડા ગામમાં ૧૦૦ ટકા આયુષ્માન કાર્ડ નીકળ્યા છે તેમજ ગામ પંચાયતોમાં જલજીવન મિશન તેમજ જમીનના રેકોર્ડનું ડિજીટાઈઝેશન ૧૦૦ ટકા પૂર્ણ થયું છે. તેમજ ઓ.ડી.એફ.પ્લસ હર ઘર શૌચાલય, હર ઘર જલ મિશનની ૧૦૦% કામગીરી બદલ તેને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તથા સ્થાનિક રમત ગમતની વ્યક્તિઓને સન્માનિત કરાયા હતા. આ અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને પ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.
આ વેળાએ સૌ ગ્રામજનોએ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના રથને હર્ષભેર વધાવ્યો હતો. નાની બાળાઓ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું કુંકુ-ચોખા સાથે તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામજનોએ ભારતને વિકસિત બનાવવાની પ્રતિજ્ઞા સાથે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ મેળવેલી સિદ્ધિઓની ફિલ્મને નિહાળી નિહાળી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, તાલુકા સદસ્ય કિરીટસિંહ ડાભી, સરપંચશ્રી ગુલાબસિંહ ડાભી, અગ્રણીશ્રી વિનુભાઈ ઠુમ્મર, દિલીપભાઈ મણવર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








