RAJKOT: કોટડાસાંગાણીના વેરાવળમાં પોષણમાહની ઉજવણી નિમિત્તે મિલેટ્સ વાનગી સ્પર્ધા, રેલી યોજાઈ

તા.૨૭/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
પરિસંવાદમાં ગામલોકોને અપાઈ ઉપયોગી માહિતી, રેલીમાં કિશોરીઓ, ગામલોકો ઉત્સાહથી જોડાયા
Rajkot: આઈ.સી.ડી.એસ. રાજકોટ, કોટડાસાંગાણી મામલતદાર કચેરી અને ન્યુટ્રીશન ઈન્ટરનેશનલ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ ગામ ખાતે પોષણ માહ ૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત કિશોરી દ્વારા બનાવેલી મિલેટ્સની વાનગીઓની હરિફાઈ, જનજાગૃતિ રેલી અને પરિસંવાદ જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તકે ડિવિઝનલ કો-ઓર્ડીનેટરશ્રી વિપુલ ઠાકર દ્વારા સરકારશ્રી દ્વારા આપવામાં આવતું ડબલ ફોર્ટિફાઇડ મીઠું તેમજ ફોર્ટિફાઇડ ચોખાના ફાયદા, ઉપયોગ, જાળવણી બાબતે જાણકારી આપવામાં આવી હતી. સ્ટેટ પ્રોજેક્ટ કોર્ડીનેટરશ્રી દેવેન્દ્ર શુક્લ દ્વારા પોષણ, આહારમાં વિવિધતા, સપ્લીમેન્ટરી ન્યુટ્રીશન અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.
આ તકે મામલતદારશ્રી જે.બી.જાડેજાએ આયર્ન વિટામીન બી-૧૨, સમતોલ આહાર વિશે જ્યારે સી.ડી.પી.ઓ.શ્રી પૂજાબેન જોશીએ મિલેટ્સના પ્રકાર, ફાયદા, બનાવાની પદ્ધતિ વિશે સૌને જાણકારી આપી હતી. જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ મયંકભાઈએ ટી.એચ.આર. પેકેટ વિશે સૌને માહિતગાર કર્યા હતા.
મિલેટસમાંથી બનાવેલી વાનગીઓની હરિફાઈમાં પ્રથમ, દ્વિતીય, ત્રીજા નંબરે આવેલી કિશોરીઓને લોખંડની કડાઈ જ્યારે સહભાગી અન્ય કિશોરીઓને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યા હતા.
ઉપરાંત લોકોને પોષણ અંગે જાગૃત કરવા ગામના મુખ્ય માર્ગો પર વિવિધ સૂત્રો સાથે પોષણ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી વર્કરો, કિશોરી તથા ગામલોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સાથે પોષણ અંગે જાગૃતિ લાવવા હાજર રહેલા તમામ લાભાર્થીઓને ટોપી, ફોર્ટિફાઈડ નમક અને ચોખાની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.